મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી એશિયા ખંડના સૌથી શ્રીમંત છે અને હવે તેઓ 100 અબજ યૂએસ ડોલરની સંપત્તિ ધરાવતા ધનાઢ્યોની વૈશ્વિક યાદીમાં પણ સામેલ થયા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, RILમાં અંબાણીના પરિવારના હિસ્સાનું મૂલ્ય 100 અબજ ડોલરના આંકને પાર કરી ગયા બાદ 100 અબજ ડોલરની સંપત્તિવાળાઓના ગ્રુપમાં એમનું નામ પણ સામેલ થઈ ગયું છે. RILમાં અંબાણી પરિવારનો હિસ્સો 49.14 ટકા છે, જેનું મૂલ્ય 107 અબજ ડોલર થવા જાય છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન 218 અબજ ડોલર પર પહોંચ્યું છે.
ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં 8 અબજ ડોલર (રૂ. 54,000 કરોડ)નો ઉમેરો થયો હતો. એને પગલે તેઓ આજે 100 અબજ ડોલરવાળા ધનકુબેરોની યાદીમાં સામેલ થયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સસ્તી કિંમતના ગ્રીન હાઈડ્રોજન બનાવશે એવું અંબાણીએ નિવેદન કર્યા બાદ કંપનીનો શેર વધી ગયો હતો.