મુંબઈઃ ત્રણ દિવસની રજા પછી સપ્તાહના પ્રારંભે સ્થાનિક શેરબજારમાં કડાકો બોલી ગયો હતો. દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વચ્ચે કોરોનાના એક દિવસમાં નવા કેસો એક લાખથી વધુ નોંધવામાં આવ્યા છે. જેથી અનેક રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેનાથી બજારોમાં ભય વ્યાપી ગયો છે અને બજારમાં ભારે વેચવાલી થઈ રહી છે. વળી, માર્ચમાં PMI ફેબ્રુઆરીના 57.5થી ઘટીને 55.4 આવ્યો છે. માર્ચમાં કારખાનાઓમાં ઉત્પાદન સાત મહિનાના નીચલા સ્તરે આવી ગયું છે. બેન્કિંગ અને ફાઇનાન્સ શેરોમાં સૌથી વધુ ઘટ્યા છે.
બીએસઈ સેન્સેક્સે અત્યાર સુધી 48,580ના નીચલા સ્તરે સ્પર્શ્યો છે, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સે 14,459ના નીચલા મથાળું બનાવ્યું છે. આમ સેન્સેક્સ 1300 પોઇન્ટ અને નિફ્ટી ઇન્ડેક્સ 350 પોઇન્ટ તૂટ્યા છે. એની સાથે નિફ્ટી બેન્ક 3.72 ટકા, નિફ્ટી મિડકેપ 3.16 ટકા અને નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ 3.73 ટકા મોર્નિંગ ટ્રેડિંગ સેશનમાં તૂટ્યા હતા.
રોકાણકારોના ચાર લાખ કરોડ ડૂબ્યા
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 2,03,40,000 કરોડ આવી ગયું હતું, જે એક એપ્રિલે આ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 2,07,26,402 કરોડે બંધ થયું હતું. આમ રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો થયો હતો.
જોકે બજારમાં આઇટી શેરોમાં તેજી હતી. આઇટી ઇન્ડેક્સ પણ હજી બે સપ્તાહ ઊંચાઈએ પહોંચ્યો હતો. ઇન્ફોસિસ, ટીસીએસ અને એચસીએલ ટેકમાં તેજી જોવા મળી હતી. મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. આ સાથે કોરોના ટેસ્ટિંગમાં વધારો થતાં પેથલેબ શેરોમાં સારીએવી તેજી જોવા મળી રહી છે.