નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે સરકારે સ્પષ્ટતા કરી છે કે ઇંધણ પરનો ટેક્સ ઘટાડવાનો હાલમાં કોઈ પ્રસ્તાવ નથી. લોકસભામાં એક સવાલના જવાબમાં નાણા્મંત્રી નિર્મલા સીતારામને સોમવારે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો કોઈ પણ દેશમાં સ્થિર રહેતી નથી. તેમણે ઇંધણને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળ લાવવાના પ્રશ્નના સીધા જવાબ આપવાનું ટાળ્યું હતું.
વેરા ઘટાડાની સંભાવનાને નકારવા ઉપરાંત તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકાર કોઈ નવો ટેક્સ લાદવાની પણ વિચારણા કરી રહી નથી. જીએસટીના દાયરામાં લાવવાના સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે, તકનીકી રીતે પેટ્રોલ અને ડીઝલ જીએસટીના શૂન્ય દરના સ્લેબમાં છે. ટૂંક સમયમાં, તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જીએસટી કાઉન્સિલ દ્વારા આ અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવશે.
કોર્પોરેટ ટેક્સના દર ઘટાડવા અંગેના કરવેરા કાયદા (સુધારો) બિલ, 2019 સોમવારે લોકસભા દ્વારા પાંચ કલાકની ચર્ચા પછી પસાર કરવામાં આવ્યું. આ ખરડો વટહુકમની જગ્યા લેશે. જેમાં કોર્પોરેટ ટેક્સના દરમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. દેશમાં ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે સપ્ટેમ્બર 2019માં વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ માધ્યમથી કોર્પોરેટ ટેક્સના દરને 30 થી ઘટાડીને 22 ટકા અને નવી ઉત્પાદક કંપનીઓ માટે 15 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તેનો લાભ લેતી કંપનીઓને અન્ય કોઇ છૂટ મળશે નહીં. નાણાંમંત્રીએ કહ્યું કે કોર્પોરેટ ટેક્સનો અસરકારક દર ભારતમાં હવે 34..94 ટકાથી ઘટીને 25.1 ટકા થયો છે. નવી મેન્યુફેક્ચરીંગ કંપનીઓ માટે પ્રભાવશાળી કરનો દર પણ 17.16 ટકા રહેશે.
બિલ પર ચર્ચા દરમિયાન નાણાંમંત્રીએ કહ્યું હતું કે, “કોર્પોરેટ ટેક્સના ઘટાડા દર સાથે ભારત વિશ્વના સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશન્સ તરીકે ઉભરી રહ્યું છે. કોર્પોરેટ ટેક્સનો દર ઘટાડ્યા પછી દેશમાં રોકાણ વધવાના સંકેત મળી રહ્યા છે. ઘણી કંપનીઓએ તેઓનો સંપર્ક કર્યો છે કે તેઓ ભારતમાં ઉત્પાદન માટે તૈયાર છે. નાણામંત્રીએ અર્થવ્યવસ્થામાં સુધારો કરવાની વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે ઘણા મોરચાથી સારા સમાચાર આવવા લાગ્યા છે. નવેમ્બરમાં જીએસટી કલેક્શન રૂ. 1.03 લાખ કરોડથી વધુનું રહ્યું. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ પાંચ ટકાનો વધારો થયો છે