રોકાણ માટે જરૂરી સુધારા કરવા સરકાર તૈયાર છેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: દેશની આર્થિક સ્થિતિ અને જીડીપીના ઘટતા દરને લઇને મચી રહેલી બૂમરાણ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકાર દેશમાં વધુમાં વધુ રોકાણ ખેંચી લાવવા માટે તમામ પ્રકારના સુધારા માટે હંમેશા તૈયાર છે.

ભારત-સ્વીડન બિઝનેસ સમિટમાં બોલતાં તેમણે કહ્યું કે, સરકાર સુધારા માટે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેમાં કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો પણ સામેલ છે.

નાણામંત્રીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં રોકાણ માટે સ્વીડિશ કંપનીઓને આમંત્રણ આપ્યું છે. સરકાર આગામી પાંચ વર્ષમાં  ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ માટે 100 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે તેમ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. 15 ડિસેમ્બર સુધીમાં દસ પ્રોજેક્ટમાં રોકાણની જાહેરાત કરવામાં આવશે.  કેન્દ્ર સરકાર જીવન જીરૂરી વસ્તુઓ પરનો જીએસટી લઘુતમ દરે લઇ જવાના પ્રયત્નો કરશે અને અન્ય વસ્તુઓ પરના જીએસટી દરોમાં પણ ઘટાડો કરશે.

સીતારમણે વધુમાં જણાવ્યું છે કે ગયા સપ્તાહમાં જીડીપીના આંકડા જાહેર થયા તે પહેલાથી જ સરકારે અર્થતંત્રની ચિંતાઓ પર કાર્ય કરવાનું શરૂ કરી દીધું છે. નાણા પ્રધાન  નિર્મલા સિતારમને નાણાકીય ખાધના લક્ષ્યાંક અંગેના પ્રશ્રનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના ૧૦૨ ટકા થઇ છે. જો કે ગયા વર્ષે ઓક્ટોબરમાં નાણાકીય ખાધ નિર્ધારિત લક્ષ્યાંકના 104 ટકા હતી. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ઘણી વૈશ્વિક કંપનીઓ ચીનમાંથી નીકળીને ભારતમાં બિઝનેસ શરૂ કરવા માગે છે અને ભારત સરકારે આવી કંપનીઓને દેશમાં લાવવાનું કાર્ય શરૂ કરી દીધું છે.