મુંબઈઃ ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકીએ આ વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1FY23)માં રૂ. 1,012.80 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષના આખરી ક્વાર્ટર (Q4FY22) વખતે તેનો નફો રૂ. 1,8389 કરોડ હતો. 2022ના પહેલા ક્વાર્ટરમાં કોરોનાવાઈરસના ડેલ્ટા સ્ટ્રેનના લહેરને કારણે લોકડાઉન લાગુ કરાયું હોવાથી કંપનીના વેચાણને માઠી અસર પડી હતી તેથી એની સાથે હાલના આંકડાની સરખામણી કરવામાં આવી નથી.
મારુતિ સુઝૂકીએ 2022ની 30 જૂને પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન કુલ 4,67,931 વાહનોનું વેચાણ કર્યું હતું, જે આંકડો ગયા વર્ષે 3,53,616 હતો. સ્થાનિક બજારોમાં કંપનીના વાહનોના વેચાણનો આંક હતો 3,98,494 જ્યારે નિકાસનો આંક 69,437 વાહનનો નોંધાયો છે, જે કોઈ પણ ક્વાર્ટર કરતાં ઊંચો છે. ગયા વર્ષે કંપનીએ સ્થાનિક બજારમાં 3,08,095 વાહનો વેચ્યા હતા જ્યારે નિકાસ બજારમાં 45,519 વાહનો વેચ્યા હતા.