બજેટ પહેલાં બજારમાં ઘટાડોઃ સેન્સેક્સ 739, નિફ્ટી 270 ઘટ્યો

અમદાવાદઃ ઘરેલુ બજારમાં સપ્તાહના છેલ્લા દિવસે શેરોમાં સાર્વત્રિક વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા. મંગળવારે બજેટ રજૂ થવાનું છે, એ પહેલાં રોકાણકારોએ શેરોમાં વેચવાલી કાઢી હતી. સૌથી વધુ મેટલ શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. IT સિવાય બધા ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. રોકાણકારોએ રૂ. આઠ લાખ કરોડ ગુમાવ્યા હતા.વૈશ્વિક નબળા સંકેતોને કારણે બજારમાં ઊંચા સ્તરે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આ સાથે એશિયન બજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ડાઉ ઇન્ડેક્સ 533 પોઇન્ટ અને નેસ્ડેક 126 પોઈન્ટ તૂટ્યો હતો. આવતા સપ્તાહે મંગળવારે બજેટ રજૂ થશે. પેટીએમની ખોટ વધીને 840 કરોડ થઈ હતી. જેને પરિણામે સેન્ટિમેન્ટ ખરડાયું હતું.

NSEના ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા લેવાલ રહ્યા હતા. તેમણે રૂ. 5483.63 કરોડના શેરો ખરીદ્યા હતા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારોએ (DIIએ) રૂ. 2904 કરોડના શેરો વેચ્યા હતા.

બજારમાં IT ઇન્ડેક્સ સિવાય 12 મુખ્ય ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. જેથી સેન્સેક્સ 739 પોઇન્ટ તૂટીને 80,609ના મથાળે બંધ થયો હતો. નિફ્ટી 270 પોઇન્ટ તૂટીને 24,531 સ્તરે બંધ થયો હતો. મેટલ ઇન્ડેક્સ ચાર ટકા, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર આશરે ત્રણ ટકા અને ઓટો, મિડિયા અને રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધુ ઘટ્યા હતા.

એક્સચેન્જ પર કુલ 4010 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 917 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 3004 શેરો ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે 89 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 194 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે 27 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.