મુંબઈ- અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે સોમવારે વિશ્વના 500 ધનકુબેરોને તેમની કુલ સંપત્તિના 2.1 ટકા હિસ્સાનું નુકસાન થયું છે. ચીન અને અમેરિકા વચ્ચે આ તણાવ અને રોકાણકારોની પ્રતિક્રિયાને પગલે બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં સામેલ 21 અબજોપતિઓના શેર્સની કીમતમાં 1 અબજ ડોલરથી 3.4 અબજ ડોલર જેટલું ધોવાણ થયું છે.
બંન્ને દેશો વચ્ચે તણાવને પગલે સૌથી વધુ નુકસાન એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસને થયું છે. તેમને 3.4 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. જોકે, આ નુકસાન થયું હોવા છતાં 110 અબજ ડોલરની નેટવર્થ સાથે તે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ મોટો ઝટકો લાગ્યો છે. મુકેશ અંબાણીને લગભગ એક જ દિવસમાં 2.4 બિલિયન ડોલર (16,800 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. આ ટ્રેડવોરનું નુકસાન અન્ય લોકોને પણ થયું છે.
હોંગકોંગની કંપનીઓને સપ્તાહોથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન કારણે નુકસાની ભોગવવી પડી છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કહ્યું હતું કે, 300 અબજ ડોલરના ચાઈનિઝ ઈમ્પોર્ટ પર 1લી સપ્ટેમ્બરથી 10 ટકા ટેરીફ લગાવશે.
સોમવારે વિશ્વભરના શેર બજારો પર ટ્રમ્પના નિવેદનની અસર જોવા મળી હતી. હોંગકોંગની લિસ્ટેડ કંપનીઓમાંથી પોતાની કિસ્મત ચમકાવનાર 10 સૌથી અમીર ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ 23 જૂલાઈ બાદ 19 અબજ ડોલરની થઈ ગઈ છે.