નવી દિલ્હી- ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જેમાં 7.3 કરોડ લોકો ગરીબી રેખાની નીચે તેમનું જીવન ગુજારે છે. પરંતુ વાત જ્યારે ચૂંટણી ખર્ચની આવે તો, ભારત અમેરિકા જેવા મોટા વિકસિત દેશોને પણ પાછળ રાખી દે છે. મહત્વનું છે કે, ભારતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચની મર્યાદા પણ 70 લાખ રૂપિયા નક્કી કરી દીધી છે. પરંતુ હક્કીકતમાં ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલા નિયમોની આડમાં ચૂંટણી પહેલા પાણીની જેમ પૈસા વાપરવામાં આવશે.
2014નો રેકોર્ડ તુટશે
ચૂંટણી ખર્ચ પર સેન્ટર ફોર મીડિયા સ્ટડી (સીએમસી)ના અનુસાર 1996માં લોકસભાની ચૂંટણીમાં 2500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. વર્ષ 2009માં આ રકમ વધીને 10,000 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જેમાં મતદાતાઓને ગેરકાયદે રીતે આપેલા નાણાંનો પણ સમાવેશ થાય છે. 2014માં થયેલ લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ 35,547 કરોડ રૂપિયા (500 કરોડ ડોલર) પર પહોંચ્યો હતો. આ સ્થિતિ જોતા આ વખતેની ચૂંટણીમાં અગાઉના તમામ રેકોર્ડ તુટે તેવી શક્યતા છે. આ વખતેની લોકસભા ચૂંટણીમાં અંદાજે 50 હજાર કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય તેવી શક્યતા છે.
વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી સાબિત થશે
કારનીઝ એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશન પીસ થિંકટેન્કના જણાવ્યા અનુસાર વર્ષ 2019ની ચૂંટણી અમેરિકાના ચૂંટણી ખર્ચને પાછળ છોડી દેશે. થિંકટેન્કના સીનિયર ફેલો અને દક્ષિણ એશિયા કાર્યક્રમના નિદેશક મિલન વૈષ્ણવના જણાવ્યા અનુસાર 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી અને કોંગ્રેસ ચૂંટણીમાં 46,211 કરોડ રૂપિયા (650 કરોડ ડોલર)નો ખર્ચ થયો હતો.
વૈષ્ણવના અનુસાર ભારતમાં 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં 35,547 કરોડ રૂપિયા (500 કરોડ ડોલર)નો ખર્ચ થયો હતો, આ જોતા 2019ની લોકસભા ચૂંટણીમાં અમેરિકની ચૂંટણીના ખર્ચનો આંકડો સરળતાથી પાર થઈ શકે તેવી શક્યતા છે. જો આમ થશે તો આ ચૂંટણી વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી સાબિત થશે.