બોઈંગ 737 મેક્સના સંચાલન પર ઉઠ્યાં સવાલો, ડીજીસીએએ માગી જાણકારી

નવી દિલ્હી- સરકાર અને નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ (DGCA) દેશમાં બોઈંગ 737 મેક્સ-8 વિમાનોના સંચાલન પર આગળની કાર્યવાહી નક્કી કરવા માટે ચર્ચા કરશે. તાજેતરમાં જ ઈથોપિયામાં થયેલી વિમાન દુર્ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વિમાન દુર્ઘટનામાં તમામ 157 લોકોના મોત થયાં હતાં.

બોઈંગ 737 મેક્સ-8 સાથે છેલ્લા 5 મહિનામાં આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલાં ઓક્ટોબર 2018માં ઈન્ડોનેશિયાની લાયન એર કંપનીનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં 189 લોકોના મોત થયાં હતાં. દેશમાં જેટ એરવેઝ અને સ્પાઈસ જેટ બોઈંગ 737 વિમાનોનું સંચાલન કરે છે. ડીજીસીએ બોઈંગની સાથે સાથે આ બંન્ને કંપનીઓ પાસેથી પણ વિમાન અંગે જાણકારી માગી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તે બોઈંગ 737 મેક્સ વિમાન પર આગળ લેવામાં આવનાર જરૂરી પગલાઓને લઈને ડીજીસીએ સાથે ચર્ચા કરશે. જેટ એરવેઝે 225 બોઈંગ 737 મેક્સ વિમાનનો ઓર્ડર આપ્યો છે. અને તેમાંથી કેટલાક વિમાનોની ડિલેવરી પણ થઈ ચૂકી છે.

સ્પાઈસ જેટે પણ તેમની વિસ્તાર યોજના હેઠળ બોઈંગને 205 વિમાનોનો ઓર્ડર આપ્યો છે. અને તેમાં ઓછામાં ઓછા 155 વિમાન બોઈંગ 737 મેક્સ-8 છે. બંન્ને કંપનીઓ હાલમાં આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી નથી કરી. વિશ્વભરમાં 737 મેક્સ બોઈંગના ઈતિહાસમાં સૌથી ઝડપથી વેચાનાર વિમાન છે.

વર્તમાન સમયમાં સ્પાઈસ જેટ પાસે 13 અને જેટ એરવેઝ પાસે 8 બોઈંગ 737 મેક્સ-8 વિમાન છે. જોકે, ચીન અને ઈથોપિયાની સરકારી વિમાની કંપનીઓએ આ દુર્ઘટના બાદ તાત્કાલિક ધોરણે આ કેટેગરીના વિમાનોના પરિચાલન પર પ્રતિબંધ મુકી દીધો છે.