મુંબઈ – દેશમાં એવિએશન ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય જેટ એરવેઝની સ્થાપના કરનાર અને તેના ચેરમેન નરેશ ગોયલે એમના પદ પરથી આજે રાજીનામું આપી દીધું છે. એમના પત્ની અનિતા ગોયલે પણ આર્થિક સંકટમાં ફસાયેલી આ એરલાઈનની બોર્ડનાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ મુંબઈ શેરબજારને આ વિશે વિધિવત્ જાણ કરી દીધી છે.
આમ, નરેશ ગોયલ હવે જેટ એરવેઝના ચેરમેન રહ્યા નથી. રાજીનામું આપી દેતાં જેટ એરવેઝમાંથી નરેશ ગોયલનો હિસ્સો ઘટીને 25.5 ટકા થશે, જે હાલ 51 ટકા છે.
ગોયલ હટી જતાં તરત જ જેટ એરવેઝને નિર્ણાયક યોજના અંતર્ગત રૂ. 1,500 કરોડનું ભંડોળ મળશે. આ યોજના જેટ એરવેઝના લેણદારોએ ઘડી હતી.
જેટ એરવેઝ 25 વર્ષથી ભારતમાં મુલ્કી ઉડ્ડયન સેવા બજાવી રહી છે. નરેશ ગોયલે એમના પત્નીની સાથે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરી હતી.
આર્થિક ભીંસને કારણે જેટ એરવેઝના અસ્તિત્વ પર ખતરો ઊભો થઈ ગયો હતો. એને કારણે ઘણી અફવાઓ પણ ઊડી હતી કે જેટ એરવેઝ બંધ થઈ જશે.
નાણાકીય ભીંસને કારણે જેટ એરવેઝે તેના 80 જેટલા વિમાનોને સેવામાંથી હટાવી લીધા હતા. જેટ એરવેઝ કંપનીએ એને વિમાનો લીઝ પર આપનાર કંપનીઓ (લેણદારો)ને પૈસા ચૂકવ્યા નથી એને કારણે એને આ વિમાનો સેવામાંથી હટાવી લેવા પડ્યા છે.
એરલાઈનના બોર્ડે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતીય લેણદારોએ ઘડેલી રિઝોલ્યૂશન યોજનાને આજે મંજૂરી આપી દીધી છે.
અબુ ધાબીની ઈતિહાદ એરલાઈન્સ જેટ એરવેઝમાં 24 ટકાનો હિસ્સો ધરાવે છે.
રેગ્યૂલેટરને સુપરત કરવામાં આવેલા સંદેશ મુજબ જેટ એરવેઝના બોર્ડ પર બે ડાયરેક્ટર એવા હશે જેમને લેણદારો નિયુક્ત કરશે.
કહેવાય છે કે જેટ એરવેઝને માથે રૂ. 8000 કરોડથી વધુનું દેવું ચડી ગયું છે.
રિઝોલ્યૂશન પ્લાન અમલમાં મૂકાતાં જ મુંબઈ શેરબજારમાં જેટ એરવેેઝનો શેર 12.69 ટકા ઉછળ્યો હતો અને રૂ. 254.50ના ભાવે બંધ રહ્યો હતો.