નવી દિલ્હી – ટ્વિટર કંપનીની ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર જેક ડોરસેની ભારત મુલાકાત અંતભાગમાં વિવાદાસ્પદ બની ગઈ. ડોરસેએ કેટલીક મહિલા પત્રકારો સાથે રાઉન્ડ-ટેબલ ચર્ચા કરી હતી. એ પ્રસંગની એક તસવીરમાં ડોરસે હાથમાં એક પોસ્ટર પકડીને ઉભેલા દેખાય છે. એ પોસ્ટરમાં લખ્યું હતું, ‘સ્મેશ બ્રાહ્મિનિકલ પેટ્રિઆર્કિ,’ એટલે કે બ્રાહ્મણપ્રધાન સમાજપદ્ધતિનો અંત લાવો.
ટ્વિટર કંપનીના લીગલ, પોલિસી, ટ્રસ્ટ એન્ડ સેફ્ટી લીડ વિભાગનાં આંતરરાષ્ટ્રીય વડાં વિજયા ગડ્ડેએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ બદલ હું અત્યંત ખેદ વ્યક્ત કરું છું. આમાં અમારાં મંતવ્યોનું પ્રતિબિંબ નથી. અને એક ખાનગી ફોટો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો… અમારે થોડોક વિચાર કરવાની જરૂર હતી.
ટ્વિટરની છાપ ભેદભાવવિહોણા, સમાન પ્રકારના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ તરીકેની છે. અમે ભારતમાં એ જાળવવામાં નિષ્ફળ ગયાં છીએ. અમારે ભારતમાં અમારાં ગ્રાહકોની સેવા બજાવવા માટે વધારે સારું કરવું જ પડશે, એમ વિજયા ગડ્ડેએ વધુમાં લખ્યું છે.
સોશિયલ નેટવર્ક ટ્વિટરે મહિલા પત્રકારોનાં એક ગ્રુપ સાથે બંધબારણે ચર્ચા યોજી હતી. એમાંના એક હિસ્સેદાર, જે દલિત કાર્યકર્તા હતાં, એમણે પોતાનાં અંગત અનુભવો શેર કર્યાં હતાં અને જેક ડોરસેને એક પોસ્ટર ગિફ્ટમાં આપ્યું હતું.
ડોરસેએ તે તસવીર હાથમાં પકડીને પત્રકારો સાથે તસવીરકારને પોઝ આપ્યો હતો.
ટ્વિટર કંપનીએ કહ્યું છે કે એ ટ્વિટર કે અમારા સીઈઓ તરફથી કરાયેલું કોઈ પ્રકારનું નિવેદન નહોતું.