ઈશા અંબાણી-આનંદ પિરામલ ટ્વિન્સનાં માતા-પિતા બન્યાં

મુંબઈઃ ઈશા અંબાણીએ ગઈ કાલે ટ્વિન્સને જન્મ આપ્યો છે. ઈશા અને આનંદ પિરામલ દીકરી આદિયા અને દીકરા કૃષ્ણાનાં માતાપિતા બન્યાં છે. મીડિયાજોગ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે, ‘અમને એ જણાવતાં આનંદ થાય છે કે ઈશ્વરના આશીર્વાદથી અમારાં બાળકો ઈશા અને આનંદને ત્યાં 19 નવેમ્બર, 2022ના રોજ ટ્વિન્સનો જન્મ થયો છે.’ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા નાના-નાની બની ગયાં છે.

31 વર્ષીય ઈશા હાલ રિલાયન્સ રીટેલ વેન્ચર્સનાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર છે. ઈશા અને આનંદે 2018ની 12 ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં. આનંદ, પિરામલ ગ્રુપના અજય અને સ્વાતિ પિરામલનાં પુત્ર છે. તેઓ પિરામલ ગ્રુપમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ વિભાગના વડા છે.