સોના-ચાંદીની નિકાસ પર સરકારને થઈ રહ્યું છે કરોડોનું નુકસાન?

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના અને ચાંદી પર ડ્યુટીમાં કાપનું એલાન કર્યું હતું, પરંતુ ડ્યુટી ડ્રો-બેકને લઈને કંઈ થતું નથી દેખાતું. નવા નોટિફિકેશન જારી નહીં કરવાથી નિકાસ પર વધુ રિફંડ મળી રહ્યું છે, જ્યારે ડ્યુટીમાં કાપ કરી દેવામાં આવ્યો છે. જેથી સરકારને રૂ. 300 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે, જેથી સરકારે સોના-ચાંદીની નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી કરવું જોઈએ. એમ ઇન્ડિયા બુલિયન એસોસિયેશન (IBJA)નું કહેવું છે.

બજેટ આવ્યે આશરે એક મહિનો થઈ ચૂક્યો છે, જેમાં સોના અને ચાંદી પર ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરી દેવામાં આવી છે, પણ હજી સુધી નિકાસ પર ડ્યુટી ડ્રો-બેકનું નવું નોટિફિકેશન જારી નથી કરવામાં આવ્યું. સોના પર આશરે 5.90 ટકા પ્રતિ કિલો ડ્યુટી ઓછી થઈ છે, જ્યારે ચાંદી પર રૂ. 7600ની ડ્યુટી ઓછી થઈ છે. સરકારે ડ્યુટી ડ્રો-બેકના 2023ના નોટિફિકેશનમાં કોઈ ફેરફાર નથી કર્યો અને સરકારે નવું નોટિફિકેશન લાવવું જોઈએ, એમ IBJAના સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.

તેમનું કહેવું છે કે હાલમાં એક કિલો સોનાની નિકાસ પર રૂ. 7.04 લાખની ડ્યુટી ડ્રો-બેક છે, જ્યારે ચાંદીની નિકાસ પર રૂ. 8949ની ડ્યુટી ડ્રો-બેક છે. હજી સોના પર રૂ. 3.90 લાખની ડ્યુટી લાગે છે, જ્યારે ચાંદી પર પ્રતિ કિલો રૂ. 5100 ડ્યુટી લાગે છે.

મહેતાનું કહેવું છે કે સરકારે તરત ડ્યુટી ડ્રો-બેક પર નવું નોટિફિકેશન લાવવું જોઈએ. જો તમે રૂ. ચાર લાખની ડ્યુટી આપી રહ્યા છે અને રૂ. સાત લાખની ડેયુટી ડ્રો-બેકનું રિફન્ડ કેવી રીતે આપી શકો છો, એમ તેમણે કહ્યું હતું.