નવી દિલ્હીઃ શહેર હોય કે ગામડાનો દૂરનો વિસ્તાર એક હજાર રૂપિયામાં તો એક પરિવારનું મહિનાનું કરીયાણું પણ આવતું નથી. તો બાકીની અન્ય જરુરિયાતોની વાત કરવી અને એ પણ માત્ર 1 હજાર રૂપિયામાં તે પડકારરુપ છે. પરંતુ દેશના 60 લાખ પેન્શનર્સ 1000 રૂપિયાના માસિક વેતન પર પોતાનું ઘર ચલાવી રહ્યાં છે. આ સંગઠિત ક્ષેત્રમાં કામ કરીને નિવૃત્ત થયેલા પેન્શનર્સને સામાજિક સુરક્ષા કવર ઉપલબ્ધ કરાવનારી સરકારી યોજનાનું સત્ય છે. આ યોજનાનું નામ છે એમ્પ્લોયઝ પેન્શન સ્કીમ.
આ સ્કીમની એક વાત એ પણ છે કે 2014 પહેલા આ સ્કીમ અંતર્ગત કોઈ મિનિમમ પેન્શન નક્કી નહોતું. આ સ્કીમ અંતર્ગત જ હજારો પેન્શનર્સને 50 રૂપિયાથી લઈને 100 સુધી અને 500 જેટલું પણ પેન્શન મળતું હતું. પેન્શનર્સની વર્ષો સુધીની માગણી બાદ ઈપીએફઓથી લઈને નાણાં મંત્રાલય સુધી ફાઈલ પહોંચ્યા બાદ નક્કી થયું કે મોંઘવારી વધી ગઈ છે અને હવે ઈપીએસ સ્કીમનું ન્યૂનતમ પેન્શન 1000 કરવામાં આવે. અને ત્યારબાદ લગભગ 60 લાખ પેન્શનરો માટે 1 હજાર રૂપિયાનું પેન્શન નક્કી થઈ શક્યું.
પરંતુ પ્રશ્ન એ છે કે પેન્શનર્સને સામાજિક સુરક્ષા ઉપ્લબ્ધ કરાવવા માટે શરૂ કરવામાં આવેલી આ સ્કીમ પેન્શનર્સ પર બોજ કેવી રીતે બની ગઈ. ખાસકરીને એ સમયે કે જ્યારે સરકાર આ સ્કીમમાં સબસીડી પણ આપશે છે એટલે કે ફંડમાં સરકાર પણ યોગદાન આપે છે. આ સ્કીમને ઓછા પગાર વાળા કર્મચારીઓને સામાજીક સુરક્ષા પ્રાપ્ત કરાવવાના લક્ષ્યથી તૈયાર કરવામાં આવી હતી. તે સમયે પ્રાઈવેટ સેક્ટરનો વ્ચાપ આટલો વધારે નહોતો. પરંતુ પ્રાઈવેટ સેક્ટરનો વિસ્તાર વધવાની સાથે આ સ્કીમનું કવરેજ વધ્યું પરંતુ બદલાતા સમયની જરૂરીયાતોને પૂરી કરવા માટે આ સ્કીમમાં યોગ્ય બદલાવ કરવામાં ન આવ્યા. અને એનું જ પરિણામ છે કે પેન્શનર્સને મળી રહેલું 1000 રૂપીયાનું વેતન આજના સમયની જરૂરીયાત અનુસાર ક્યાંય ઓછું છે. પેન્શનરો સુનીશ્ચીત વેતનની માંગણી કરી રહ્યા છે અને આ મામલો અત્યારે કોર્ટમાં ચાલી રહ્યો છે.