ભારતીય અર્થતંત્ર ‘ટેકઓફ્ફ’ થવા સજ્જ છેઃ ગૌતમ અદાણી

મુંબઈઃ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલની વાર્ષિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ 2024માં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઉદઘાટન ભાષણ આપતાં કહ્યું હતું કે દેશનું અર્થતંત્ર વર્ષ 2032 સુધીમાં 10 ટ્રિલિયલ ડોલરનું થઈ જશે, જ્યારે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કુલ ખર્ચ 2.5 લાખ કરોડ અમેરિકી ડોલરને પાર પહોંચશે. આ ખર્ચનો 25 ટકા ખર્ચ ઊર્જા અને ઊર્જા ક્ષેત્રે થવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે ગ્રીન ઇલેક્ટ્રોનની ઉપલબ્ધતા જ કોઈ પણ દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

વર્ષ 1991થી 2014ની વચ્ચે દેશમાં માળખાકીય વિકાસનો પાયો નખાયો હતો અને રનવે બનાવવાનું કામ થયું હતું, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકામાં વિમાનોના ઉડાન ભરવાનો સમય હતો, એમ તેમણે કહ્યું હતું. આ સમિટમાં તેમણે પ્રાચીન રોમ સામ્રાજ્યથી માંડીને ચીનમાં થયેલા માળખાકીય સુધારાનો મુસદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વ ઓદ્યૌગિક ક્રાંતિથી મોટા પાયે મૂડીરોકાણ થયું અને એનાથી આર્થિક પ્રગતિ થઈ હતી, જેને કારણે બ્રિટન વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ બન્યો હતો. તેમણે આ સમિટમાં માળખાકીય વિકાસમાં સરકારી નીતિઓ અને શાસનની ભૂમિકા, ભવિષ્ય અને સ્થિરતાથી પાયાના માળખામાં અદાણી ગ્રુપની ભૂમિકાને ઉજાગર કરી હતી.

તેમણે લાઇસન્સ રાજ ખતમ થવાની સાથે કેટલાક વેપારી ગૃહોના એક સમયે વર્ચસ્વની વાત પણ કહી હતી. તેમણે NIP એટલે કે નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનની પણ વાત કરતાં કહ્યું હતું કે આ કાર્યક્રમથી 2020-25માં રૂ. 111 લાખ કરોડના મૂડીરોકાણનું લક્ષ્ય નિર્ધારિત થયું છે. તેમણે આ અવસરે મોદી સરકારનાં કાર્યો પણ ગણાવ્યાં હતા. મોદી રાજમાં કોર્પોરટ ટેક્સ ઘટાડીને 22 ટકા થયો હતો અને ચાલુ ખાતાની ખાધ GDPના 0.8 ટકા પર આવી ગઈ હતી. એનું પરિણામ સૌની સામે છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે દેશમાં 1991થી શરૂ થયેલી આર્થિક ઉદારીકરણની નીતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ભૂતપૂર્વ નાણાપ્રધાન મનમોહન સિંહની કામગીરીને પણ વખાણી હતી. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ બેન્કના આંકડા અનુસાર ઉદારીકરણથી પહેલાં ત્રણ દાયકામાં દેશની GDP સાત ગણી અને ઉદારીકરણ પછીના ત્રણ દાયકામાં GDP 14 ગણી વધી હતી.

તેમણે આ સમિટમાં હાઇવે, પોર્ટ, ટ્રાન્સમિશન ગ્રિડ, ટ્રાન્સપોર્ટ માટે કોરિડોર, એરપોર્ટ, નવા મેટ્રો રેલ નેટવર્ક જેવાં કામોનાં ઉદાહરણ પણ આપ્યાં હતા. મોદી સરકારના દોરમાં લાવવામાં આવેલા UPIના પાયાના માળખાથી નાણાકીય ક્ષેત્રે આમૂલ ફેરફારો થયાની વાત તેમણે કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે ભારતની વાસ્તવિક પ્રગતિ હજુ થવાની બાકી છે. દેશમાં પડકારો હોવા છતાં  હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતની વાસ્તવિક પ્રગતિ, વાસ્તવિક વિકાસ થવાનો બાકી છે.

ગ્રુપ 100 અબજ ડોલરનું રોકાણ કરશે: અદાણી

તેમણે જાહેરાત કરી હતી કે અદાણી ગ્રુપ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવા માટે મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ સહિત એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સ પર 100 બિલિયન અમેરિકન ડોલર કરતાં પણ વધુનું મૂડીરોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. અદાણી ગ્રુપ ગ્રીન હાઇડ્રોજન માટે સોલાર પાર્ક, પવન ફાર્મ અને ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરવાની સુવિધાઓ વિકસાવી રહ્યું છે. તેમનું ગ્રુપ છેલ્લાં 30 વર્ષમાં બીજી સૌથી મોટી સોલર પાવર કંપની બની હતી. અદાણી ગ્રુપની પાસે સૌથી મોટું પોર્ટ અને લોજિસ્ટિક કંપની છે, જેનો બજાર હિસ્સો 30 ટકા છે.