મુંબઈઃ સિનિયર મેનેજમેન્ટનાં પદો પર કામ કરતી મહિલાઓમાં ભારત વૈશ્વિક સરેરાશથી આગળ છે અને એ વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાને છે, એમ એક અહેવાલ કહે છે. ભારતમાં સિનિયર મેનેજમેન્ટમાં મહિલાઓની ટકાવારી 31 ટકાની વૈશ્વિક સરેરાશની તુલનાએ 39 ટકા છે, જે વર્કિંગ વુમન પ્રત્યે ભારતીય ઉદ્યોગોના બદલાતા દ્રષ્ટિકોણનો સંકેત આપે છે, એમ કન્સલ્ટન્સી કંપની ગ્રાન્ટ થોર્નટનનો વુમન ઇન બિઝનેસ 2021નો અહેવાલ કહે છે.
કોર્પોરેટ નોકરીઓમાં મહિલાઓને સામેલ કરવાની અનિચ્છા, ખાસ કરીને લીડરશિપ ભૂમિકાઓમાં, છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક મહત્ત્વની ચિંતા રહી છે અને કેટલીક લિસ્ટેડ કંપનીઓમાં પણ મહિલા ડિરેક્ટરો રાખવાની મજબૂરી છે.
દેશના સી-સ્યુટમાં મહત્ત્વનાં સ્થાનો પર મહિલા લીડર્સની ટકાવારી વૈશ્વિક સરેરાશ કરતાં વધારે છે, જ્યારે વૈશ્વિક સ્તરે સિનિયર મેનેજમેન્ટની ભૂમિકામાં કમસે કમ એક મહિલા હોય એવા બિઝનેસિસ વધીને 90 ટકા થયા છે, જેની સરખામણીએ ભારતમાં 98 ટકા છે. વાસ્તવમાં ભારતમાં મિડ-માર્કેટ બિઝનેસિસમાં 47 ટકા મહિલાઓ CEOs છે, જ્યારે વૈશ્વિક સ્તરે એ 26 ટકા છે.
ભારતમાં જાતિ સમાવેશીની સંસ્કૃતિ બનાવવામાં ભારત વૈશ્વિક સમકક્ષોની તુલનાએ ઊંચું છે. વૈવિધ્યતા માટે બોર્ડ પર મહિલાઓને વધુ લીડરશિપની ભૂમિકા આપવાથી વેપારને નવી તકો ખૂલશે, એમ ગ્રાન્ટ થોર્નટનના ભારતના ચીફ એક્ઝિક્યુટિવ વિશેષ સી. ચાંડિયોકે જણાવ્યું હતું.
કંપનીએ કોવિડ19ની અસરનું એક સર્વેક્ષણ પણ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં 88 ટકા ઉત્તરદાત્તાઓનું માનવું હતું કે નવાં કામકાજની પ્રથાઓથી વૈશ્વિક સ્તરે 69 ટકાની તુલનાએ મહિલાઓની કેરિયરતી લાભ થાય છે.
કંપનીએ 29 દેશોની લિસ્ટેડ અને અનલિસ્ટેડ 10,000 બિઝનેસિસ પર સર્વે હાથ ધર્યો હતો, એમ અહેવાલ કહે છે.