ડિપોઝિટરી રિસિપ્ટ્સના ટ્રેડિંગ માટે ઈન્ડિયા INX સજ્જ

ગાંધીનગરઃ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ડિપોઝિટરી રિસિપ્ટ્સ (DRs)ના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે સજ્જ થઈ ગયાં છે. નિયામક ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી(IFSCA)એ આ ડીઆર્સના લિસ્ટિંગ અંગેના નિયમન માળખાની જાહેરાત કરી છે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે આ પગલાનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે બધા DRsના લિસ્ટિંગ અને ટ્રેડિંગ શરૂ કરવા માટે સજ્જ છીએ. હવે ગ્લોબલ DRsગિફ્ટ સિટીમાં આવેલા ઈન્ડિયા INX પર લિસ્ટ થઈ શકશે અને તેનાથી વિશ્વના રોકાણકારોને લાભ થશે અને તેઓ ભારતીય  કંપનીઓના ઈક્વિટી શેર્સ સંબંધિત લાંબા ગાળાનાં પ્રોડક્ટ્સમાં મૂડીરોકાણ કરશે.

DR એવું નેગોશિયેબલ ફાઈનાન્સિયલ ઈન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં અન્ય દેશમાં લિસ્ટેડ કંપનીની સિક્યુરિટીઝ સમાવિષ્ટ હોય છે. IFSC એક્સચેન્જીસ ખાતે DRsના ટ્રેડિંગને દાખલ કરવાથી ભારતીય કંપનીઓને ડોલરમાં મૂડી એકત્ર કરવાનું પ્રોત્સાહન મળશે અને તેઓ ભારતીય અર્થતંત્રના મૂડીસર્જનને વેગ આપી શકશે.