નવી દિલ્હીઃ વિદેશી સંસ્થાકીય રોકાણકરો દ્વારા ભારતીય બજારોમાં ધૂમ રોકાણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રએ FPIના યોગદાનની પ્રશંસા કરી છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ ક્ષેત્રના મામલાના રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળા છતાં મોદી સરકારીની આર્થિક નીતિઓમાં વિદેશી રોકાણકારોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે. વર્ષ 2020માં વિશ્વભરના ઊભરતા બજારોમાં ભારતમાં સૌથી વધુ FII મૂડીરોકાણ મળ્યું છે.
ભારતીય શેરબજારોમાં 2020માં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 23 અબજ ડોલરથી વધુનું મૂડીરોકાણ મળ્યું છે, જે ઊભરતાં બજારોમાં સૌથી વધુ છે. જાન્યુઆરીથી ડિસેમ્બર, 2020માં FPIs ભારતીય ઈક્વિટી બજારોમાં કુલ રૂ. 1.6 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. આ સતત બીજું વર્ષ છે, જ્યારે વિશ્વના ટોચનાં બજારોમાં ભારતીય શેરબજારોમાં સૌથી વધુ FPI રોકાણ થયું છે. વર્ષ 2019ની તુલનામાં એ રૂ. 63,000 કરોડ વધુ છે.
નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી (NSDL)ના આંકડા મુજબ FPIsએ છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય બજારોમાં રૂ. 1.50 લાખ કરોડનું મૂડીરોકાણ કર્યું છે. ડિસેમ્બર, 2020માં જ FPIsએ ભારતીય બજારોમાં રૂ. 68,558 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. FPIsએ ડિસેમ્બરમાં રૂ. 62,016 કરોડ ઈક્વિટી માર્કેટમાં અને રૂ. 6542 કરોડ ડેટમાં મૂડીરોકાણ કર્યું છે. નવેમ્બર, 2020માં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 60,358 કરોડ અને ઓક્ટોબર, 2020માં રૂ. 22,033 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.