નવી દિલ્હીઃ ચોમાસામાં થઈ રહેલા વિલંબ અને દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીને પગલે બજારમાં શાકભાજીની છૂટક કિંમતોમાં વધારો થયો છે. ખાસ કરીને દૈનિક ધોરણે વપરાતા બટેટા, ડુંગળી અને ટામેટાંની કિંમતોમાં 20થી 50 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જેથી સામાન્ય વ્યક્તિનું બજેટ ખોરવાયું છે.
છેલ્લા એક મહિનામાં બટેટા, ડુંગળી અને ટામેટાં- ત્રણે મોંઘાં થયાં છે. સ્ટેસ્ટિક્સ મંત્રાલયના આંકડા અનુસાર ખાદ્ય પદાર્થોનો ફુગાવો ઓર પણ વધવાની આશંકા છે. એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર 8.7 ટકા થઈ ગયો છે, જે માર્ચમાં 8.5 ટકા રહ્યો હતો. શહેરી વિસ્તારોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ મોંઘવારી દર વધતો જઈ રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી દર 8.75 ટકા થઈ ચૂક્યો છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આશંકા વ્યક્ત કરી હતી કે ભીષણ ગરમીને કારણે ફળો અને શાકભાજીની કિંમતો મોંઘી થઈ શકે છે.
એક સર્વે મુજબ દેશના 16 ટકા પરિવારોએ અત્યારથી બટેટા, ડુંગળી અને ટામેટાં ખરીદવાનું ટાળી રહ્યા છે. આ પરિવારોએ આ શાકભાજી ખાવાની ઓછી કરી દીધી છે.
વાસ્તવમાં ભીષણ ગરમીની પ્રતિકૂળ અસર ટામેટાંના પાક પર પડી છે. કાળઝાળ ગરમીથી ટામેટાં મોંઘાં થયાં છે. કોલકાતામાં ટામેટાં રૂ. 100 પ્રતિ કિલો થયા છે. ટામેટાં સિવાય આ વર્ષે બટેટા અને ડુંગળીની ઊપજ પણ ઓછી થઈ છે. જેથી છેલ્લા એક મહિનામાં આ શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ બજારમાં બટેટા પ્રતિ કિલો રૂ. 50, ડુંગળી રૂ. 40 અને ટામેટાં રૂ. 80ની આસપાસ ચાલી રહ્યા છે.