નવી દિલ્હી – એર કન્ડિશનર્સ, ઘરેલુ રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ અને રેડિયલ કાર ટાયર સહિતની અનેક પ્રકારની આયાતી ચીજવસ્તુઓ મોંઘી થશે, કારણ કે કેન્દ્ર સરકારે આ ચીજવસ્તુઓની બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી વધારી દીધી છે.
સરકારે વધી ગયેલી વર્તમાન હિસાબી ખાધને અંકુશમાં રાખવા માટે તેમજ બિન-આવશ્યક ચીજવસ્તુઓન આયાત પર કાબુ રાખવા માટે આ નિર્ણય લીધો છે.
આ વિશેનું નોટિફિકેશન આજે મધરાતથી અમલમાં આવશે. આ નોટિફિકેશન રેવેન્યૂ વિભાગે ઈસ્યૂ કર્યું છે.
જે 19 ચીજવસ્તુઓ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે એનું વર્ષ 2017-18માં કુલ આયાત મૂલ્ય આશરે રૂ. 86,000 કરોડ હતું.
ડોલરના મુકાબલે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું હોવાથી અને વિદેશી હુંડિયામણ પર એની માઠી અસર થઈ રહી હોવાથી સરકારે બિન-આવશ્યક ચીજવસ્તુઓની આયાતમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે.
એર કન્ડિશનર્સ, ઘરેલુ રેફ્રિજરેટર્સ અને 10 કિ.ગ્રા.થી ઓછા વજનના વોશિંગ મશીન્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 10 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી છે.
એર કન્ડિશનર્સ અને રેફ્રિજરેટર્સ માટેના કોમ્પ્રેસર પરની જકાત 7.5 ટકાથી વધારી 10 ટકા કરવામાં આવી છે જ્યારે સ્પીકર્સ,તથા રેડિયલ કાર ટાયર પરની ઈમ્પોર્ટ ડ્યૂટી હાલના 10 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવી છે.
પગરખાં પરની ઈમ્પોર્ટ ડ્યૂટી હવે 25 ટકા રહેશે. નોન-ઈન્ડસ્ટ્રિયલ ડાયમંડ (રફ ડાયમંડ સિવાય) પરની ડ્યૂટી પાંચ ટકા વધારવામાં આવી છે. કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યૂટી હવે પાંચ ટકાને બદલે 7.5 ટકા રહેશે.
પ્લાસ્ટિકના બાથ, શાવર બાથ, સિન્ક, વોશ બેઝિન, પેકિંગ, ટેબલવેર, કિચનવેર માટેની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પરની ડ્યૂટી 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે.
ટ્રન્ક, સુટકેસ, એક્ઝિક્યૂટિવ કેસીસ, બ્રીફકેસ, ટ્રાવેલ બેગ્સ, તથા અન્ય બેગ્સ પરની આયાત જકૂત 10 ટકાથી વધારી 15 ટકા કરવામાં આવી છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી જે શૂન્ય હતી તે હવે પાંચ ટકા કરવામાં આવી છે.