નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં પણ ભ્રષ્ટાચારની શરુઆત થઈ ગઈ હોય તેવી વિગતો સામે આવી રહી છે. હકીકતમાં આ યોજનાના શરુઆતના દસ મહિનામાં જ આ પ્રકારના સમાચારો સામે આવવા લાગ્યાં છે. ફ્રોડના આરોપમાં આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી 250 હોસ્પિટલ્સને યોજનામાંથી બહાર કરી દેવામાં આવી છે. કોમન સર્વિસ સેન્ટરના રુપમાં કામ કરી રહેલી આ હોસ્પિટલો વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
મોદી કેરના નામથી જાણીતી આયુષ્યમાન ભારત વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજના છે. જેમાં 10 કરોડ ગરીબ પરિવારો અથવા ઓછામાં ઓછા 50 કરોડ ભારતીયોને પાંચ લાખ રુપિયા સુધીનો ઈલાજ કરાવવા માટે વીમા સુવિધા મળે છે. આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ મામલે ખોટી જાણકારી આપવાના કારણે આ હોસ્પિટલ્સ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આયુષ્યમાન ભારતની નોડલ એજન્સી નેશનલ હેલ્થ ઓથોરિટી છે. જેના દ્વારા કેટલાક આંકડાઓ આપવામાં આવ્યાં છે. એક વર્ષથી પણ ઓછા સમયમાં હોસ્પિટલો અને કોમન સર્વિસ સેન્ટરે દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનામાં ભ્રષ્ટાચારી રીતરસમ શરુ કરી દીધી છે.
આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ સાથે જોડાયેલા કેટલાક મામલાઓ પણ સામે આવ્યા છે. આંકડાઓ અનુસાર એક જ ડોક્ટર એક જ દિવસમાં ચાર અલગ-અલગ વિસ્તારોમાં સર્જરી કરી રહ્યાં છે. દર્દીઓએ એ પ્રકારની સર્જરી કરાવી લીધી અને હોસ્પિટલોએ તેના માટે પૈસા વસૂલી લીધા જે સારવાર વાસ્તવમાં થઈ જ નથી. આ સાથે જ મોડી સાંજે એક ડોક્ટરે ઘણી સર્જરી કરી દીધી. કોમન સર્વિસ સેન્ટરે ખોટા લાભાર્થી કાર્ડ બનાવી દીધાં.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અત્યાર સુધી 7992 પ્રાઈવેટ અને 7963 સરકારી હોસ્પિટલ રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. નેશનલ હેલ્થ ઓથોરિટીની તપાસમાં જે મામલાઓ પકડમાં આવ્યાં છે તેને વિસ્તૃત તપાસ માટે રાજ્યોને મોકલી આપવામાં આવ્યાં છે.
યુપીના આગ્રા અને પીલીભીતથી સામે આવેલી જાણકારી અનુસાર આયુષ્માન ભારતના અસલી લાભાર્થીની જગ્યાએ અયોગ્ય લાભાર્થીઓને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આમાં કોમન સર્વિસ સેન્ટ આ લોકોની મદદ કરી રહ્યા છે.
આગ્રામાં 900 અને પીલીભીતમાં ત્રણ સર્વિસ સેન્ટર બંધ કરાવી દેવામાં આવ્યા છે. આ મામલા અથવા તો લાભાર્થીઓની ફરિયાદ પર પકડવામાં આવેલા અથવા તો વિભાગની તપાસમાં સામે આવ્યા છે. નેશનલ એન્ટી ફ્રોડ યૂનિટ પાસે આ મામલે ગડબડી પકડવાની એક પદ્ધતિ છે. જ્યારે કોઈ ડોક્ટરનું નામ વારંવાર સામે આવે છે તો સિસ્ટમ ચેક કરે છે કે સર્જરી ક્યારે થઈ છે. આ જ સિસ્ટમની મદદથી વર્તમાન સમયમાં આ પ્રકારના ફ્રોડ કેસ સામે આવ્યાં છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવી હતી. આમાં લગભગ તમામ ગંભીર બિમારીઓનો ઈલાજ કવર થાય છે. કોઈપણ ગરીબ વ્યક્તિ ઈલાજથી વંચિત ન રહી જાય, તે માટે PMJAY માં ફેમિલી સાઈઝ અને ઉંમરની કોઈ સીમા નથી રાખવામાં આવી.
આ યોજનામાં હોસ્પિટલાઈઝેશન પહેલા અને બાદના ખર્ચને પણ શામિલ કરવામાં આવ્યો છે. દર વખતે હોસ્પિટલાઈઝેશન માટે યાત્રા ભથ્થાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેની ચૂકવણી લાભાર્થીને કરવામાં આવશે. આના પ્રથમ ચરણની શરુઆત થઈ ચૂકી છે. આ અંતર્ગત હેલ્થ સેન્ટર્સ ખોલવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત આવનારા દરેક પરિવારને 5 લાખ રુપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવામાં આવે છે. આ વીમા કવરથી તમે નાના અને મોટા તમામ પ્રકારની હોસ્પિટલોમાં સારવાર કરાવી શકો છો. પરિવાર ગમે તેટલો મોટો હોય તેના દરેક સભ્યને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત લાભ મળે છે. મહિલા-પુરુષ, બાળકો-વડીલો તમામ લોકો આ યોજનાના લાભાર્થી હોઈ શકે છે. આમાં ઉંમરની કોઈ મર્યાદા નથી. હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના સ્વાસ્થ્ય સંબંધી ખર્ચ અને હોસ્પિટલમાંથી ઈલાજ બાદ ડિસ્ચાર્જ થયા બાદના ખર્ચાઓ પણ શામિલ છે. હેલ્થ પોલિસી જાહેર થયાના પહેલા દિવસથી તમામ સુવિધાઓ મળે છે. હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતીમાં આવવા જવાનું ભાડું પણ મળે છે.