મુંબઇ-એપ્રિલ 2016થી પહેલાં હોમ લોન લેનારા લોકોને રાહતના જલદી જ સમાચાર મળી શકે છે.જે બેંકોએ બજાર દર પ્રમાણે લોનનો વ્યાજ દર તર્કસંગત નથી બનાવ્યો તેમના માટે આરબીઆઈ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે બેસ રેટને હાલના માર્જિનલ કોસ્ટ ઓપ લેન્ડિંગ રેટ-એમસીએલઆ સાથે તર્કસંગત બનાવે.
આમ કરવાથી ગ્રાહકો પર વ્યાજ દર બાબતે મનમાની કરતી બેંકો પર લગામ કસાશે. પહેલી એપ્રિલથી બેઝ રેટને એમસીએલઆર સાથે લિન્ક કરી દેવાશે અને બંનેમાં એકસાથે ફેરફાર થશે. તેનો અર્થ એમ છે કે જ્યારે બેંકો એમસીએલઆરમાં ફેરફાર કરે તો તેણે બેઝ રેટમાં પણ ફેરફાર કરવો પડશે. એકાદ વર્ષ પહેલાં બેંકો પાસે નોટબંધીના કારણે મોટાપ્રમાણમાં કેશ એકઠી થઇ હોવાથી 0.80-0.90 ટકા જેવો મોટો કટ માર્યો હતો પણ બેઝ રેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. આરબીઆઈને ચિંતા છે કે વધુમાં વધુ લોકોના વ્યાજ દર હજુ પણ બેઝ રેટ સાથે જોડાયેલાં છે.
એપ્રિલ 2016 પહેલાં હોમ લોન બેઝ રેટ આધારિત હતાં જે બેંકો નક્કી કરતી હતી. ખૂબ ફરિયાદો મળી રહી હતી તે બેઝ રેટમાં વ્યાજદર ઘટવાનો ફાયદો નથી મળતો તેથી આરબીઆઈએ એમસીએલઆર લાગુ પાડ્યું જે ફંડની કીમત સાથે જોડાયેલું છે. એપ્રિલ 2016 બાદ લોન લેવાવાળા ગ્રાહકોને એમસીએલઆરનો ફાયદો મળી રહ્યો છે પણ તે પહેલાં લોન લેવાવાળા લોકો બેઝ રેટ પર જ પેમેન્ટ કરી રહ્યાં છે.
એમસીએલઆર લાગુ પડતાં 2017ના ડીસેમ્બર સુધીમાં વેટેડ એવરેજ લેન્ડિંગ રેટ 11.23થી ઘટીને 10.26 થયો છે. દેશની મોટાભાગની બેંકોએ કોસ્ટ ઓફ ફંડસ પ્રમાણે વ્યાજ દરમાં ફેરફાર નથી કર્યો. જોકે એસબીઆઈએ ગત મહિને હોમ લોન પર વ્યાદ દરમાં 30 બેસીસ પોઇન્ટ ઘટાડો કરીને 8.65 કર્યો છે.
આરબીઆઈએ બીજા એક સારા સમાચાર એ પણ આપ્યાં છે કે હવે નોન-બેંકિગ ફાઇનાન્સ કંપનીઓને પણ આરબીઆઈએ લોકપાલના દાયરામાં લાવી દીધી છે. જેનાથી લોન લેનારા ગ્રાહકોની ફરિયાદોનું નિવારણ કોઇપણ ખર્ચ વિના કરી શકાશે.