નવી દિલ્હીઃ ઘર ખરીદનારા લોકો માટે સારા સમાચાર છે, જો તેમનો બિલ્ડર અથવા કંપની દેવાદાર થઈ જાય તો તેમના પૈસા પૂર્ણ રીતે નહી ડુબે. દેવાદાર થયા બાદ બિલ્ડરની સંપત્તિ વેચવામાં આવે તો તેના પર એવા ઘર ખરીદનારા લોકોને પણ તેમનો ભાગ મળશે જેને હજી સુધી ઘર મળ્યું નથી. આના માટે ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં બદલાવ કરવામાં આવી રહ્યા છે. આ કોડમાં ફેરફાર કરવા કેટલીક મહત્વની ભલામણો થશે.બેન્કરપ્સી કોડમાં ફેરફાર કરવા માટે કમિટીએ ભલામણો કરી છે કે દેવાદાર બિલ્ડરની સંપત્તિ વેચવા પર ઘર ખરીદનારા એવા લોકોને પણ ભાગ આપવામાં આવે છે કે જે લોકોને હજી સુધી ઘરનું પઝેશન મળ્યું નથી. તે લોકોને કેટલો ભાગ આપવો જોઈએ એ વાત તે બિલ્ડર દ્વારા લોન પર આધારિત હશે. સુત્રો પાસેથી પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર કમિટીનો વિચાર છે કે બિલ્ડરના દેવાદાર થવા પર એવા ઘર ખરીદદારોને એકલા ન છોડી શકાય, જે લોકોને પોતાના ઘરનું પઝેશન નથી મળ્યું. જો તેમને એકલા છોડી દેવામાં આવે તો તેમની મહેનતના પૈસા ડુબી જશે અને તેમને ઘર પણ નહી મળે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન કાયદા અંતર્ગત જો કોઈ બિલ્ડર અથવા બિલ્ડર કંપની દેવાદાર થઈ જાય છે તેમની સંપત્તિ પર પહેલો હક્ક બેંકોનો હશે. જેની પાસેથી બિલ્ડરે લોન લીધી છે અને બેંકોને તેમની સંપત્તિને પોતાના અધિકારમાં લઈને વેચવા અને તેમના દ્વારા એકત્ર કરવામાં આવેલા પૈસાને ઉધાર તરીકે લેવાનો અધિકાર હશે.