હિંડનબર્ગ કેસઃ સુપ્રીમ કોર્ટની કમિટીએ અદાણી ગ્રુપને ક્લીનચિટ આપી

નવી દિલ્હીઃ અદાણી મામલામાં સુપ્રીમ કોર્ટની એક્સપર્ટની કમિટીનો રિપોર્ટ જાહેર થઈ ગયો છે. એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે માર્કેટ નિયામક સેબીને અત્યાર સુધી પહેલી નજરમાં નિયમોનું કોઈ ઉલ્લંઘન નથી થયું. સુપ્રીમ કોર્ટે અદાણી મામલાની તપાસની દેખરેખ માટે એક્સપર્ટની પેનલની રચના કરી હતી. સમિતિએ જણાવ્યું હતું કે હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા પહેલાં અદાણી ગ્રુપના શેરોમાં શોર્ટ પોઝિશન વધવાના પુરાવા હતા.

પેનલે રિપોર્ટમાં કહ્યું હતું કે એ નિષ્કર્ષ કાઢવો સંભવ નથી કે કિંમતોમાં હેરફેરને લઈને નિયામકીય ઉલ્લંઘન થયું છે કે નહીં. કોર્ટે નિયામકીય માળખા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાનીવાળા ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ માટે પેનલની રચના કરી હતી.

અમેરિકાની એક શોર્ટ સેલર કંપની, હિંડનબર્ગ રિસર્ચ આ વર્ષના પ્રારંભમાં અદાણી ગ્રુપ પર કેટલાય ગંભીર આરોપ લગાવતો એક રિપોર્ટ જારી કર્યો હતો. એમાં ટેક્સ હેવન દેશોનો ખોટો ઉપયોગ અને શેરોમાં હેરફેર કરવાના પ્રયાસ જેવા આરોપ સામેલ હતા. અદાણી ગ્રુપે બધા આરોપોને ફગાવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હિન્ડનબર્ગે અદાણી ગ્રુપ સંબંધિત એક રિપોર્ટમાં 88 સવાલો સામેલ કર્યા હતા. એ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રુપ દાયકાઓની શેરોની હેરફેર અને એકાઉન્ટમાં છેતરપિંડીમાં સામેલ છે. એ રિપોર્ટ સામે આવ્યા પછી અદાણીના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને કેટલાક દિવસોમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં કરોડો રૂપિયાનો ઘટાડો થયો હતો. આ મુદ્દાને વિરોધ પક્ષોએ ધ્યાન આકર્ષિત કર્યું હતું અને જોતજોતાંમાં એના પર બહુ રાજકારણ થયું હતું.