નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય લેવલે ભાવ વધવાથી અને કમજોર બનેલા રૂપિયાની સાથેસાથે અન્ય કારણોથી દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીમતો રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. રવિવારના રોજ દિલ્હીમાં પેટ્રોલની કીમત 76.24 પ્રતિ લીટર હતી. સ્થાનિક કરો અનુસાર ફ્યૂઅલની કીમતો પ્રત્યેક રાજ્યમાં અલગ હોય છે. મુંબઈમાં પેટ્રોલ 84.07 પ્રતિ લીટર, ચેન્નઈમાં 79.13 અને કોલકત્તામાં 78.91 હતું.
ગત કેટલાક મહિનાથી ડીઝલની કીંમતો કેટલાક દિવસોના વિરામ બાદ ઉંચા સ્તર પર પહોંચી રહી છે. દિલ્હીમાં ડીઝલ 67.57 રૂપીયા પ્રતિ લીટર, કોલકત્તામાં 70.12 રૂપીયા, મુંબઈમાં 71.94 રૂપીયા અને ચેન્નઈમાં 71.32 રૂપીયા સુધી હતું. દિલ્હીમાં ગત વર્ષે 1 જૂલાઈથી પેટ્રોલ અને ડીઝલની કીંમતો ક્રમશઃ 13.15 રૂપીયા અને 14.24 રૂપીયા પ્રતિ લીટર વધી છે. આ સમયગાળામાં કાચા તેલની આંતરરાષ્ટ્રીય કીંમતો લગભગ બે તૃતિયાંશ જેટલી વધીને આશરે 80 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે જણાવ્યું હતું કે ઓપેક દેશોમાં તેલના ઓછા ઉત્પાદનના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો વધી ગયા છે. ક્રૂડના ભાવમાં અત્યારે આવેલી તેજીની પાછળ ડિમાંડમાં વૃદ્ધિ થવી, સાઉદી અરબની આગેવાનીમાં તેલ ઉત્પાદક દેશોના ઉત્પાદનમાં ઘટાડો કરવો, વેનેઝુએલામાં ઉત્પાદનમાં ઉણપ અને અમેરિકાનો ઈરાન પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય જેવા કારણો જવાબદાર છે.