નવી દિલ્હીઃ મે માસમાં કુલ જીએસટી કલેક્શન 94,016 કરોડ રૂપિયા રહ્યું. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મે મહિનાનું જીએસટી કલેક્શન એપ્રિલની સરખામણીએ ઓછું રહ્યું હતું. એપ્રિલમાં કલેક્શન વધારે હોવાથી યર એન્ડ ઈફેક્ટ રહી. જો કે દરેક મહિનાનું જીએસટીનું સરેરાશ કલેક્શન જોવામાં આવે તો આ ગત નાણાકીય વર્ષની તુલનામાં વધારે રહ્યું. ગત નાણાકીય વર્ષમાં દરેક મહિને સરેરાશ 89,885 કરોડ રૂપિયાનો રેવન્યૂ જીએસટી મળ્યો. જ્યારે મે મહિનાની રેવન્યૂ 94,016 કરોડ રૂપિયા નોંધવામાં આવી.
પ્રાપ્ત માહિતી અનુસાર મે 2018ની ગ્રોસ જીએસટી રેવન્યૂ કલેક્શન 94,016 કરોડ રૂપિયા રહી. આમાં સીજીએસટીથી 15,866 કરોડ, એસજીએસટીથી 21,691 કરોડ, આઈજીએસટીથી 49,120 કરોડ અને સેસથી 7,339 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જીએસટી કલેક્શન 1,03,458 કરોડ રૂપીયા રહ્યું. પ્રથમવાર જીએસટી કલેક્શન એક લાખ કરોડની પાર પહોંચ્યું હતું. દેશભરમાં જીએસટી 1 જૂલાઈ 2017થી લાગુ થઈ ગયું છે.
એપ્રિલ મહિનામાં 31 મે 2018 ના સમયગાળા માટે ફાઈલ કરવામાં આવેલા જીએસટીઆર 3બી રીટર્નના આંકડા 62.47 લાખ જેટલા રહ્યા. માર્ચમાં 30 તારીખ સુધીના સમયગાળા માટે 60.47 લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. મે 2018માં સેટલમેન્ટ થયા બાદ કેન્દ્ર સરકાર અને રાજ્યોને મળેલી કુલ રેવન્યૂ સીજીએસટી માટે 28,797 કરોડ અને એસજીએસટી માટે 34,020 કરોડ રૂપીયા રહ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર 29 મે 2018 સુધી માર્ચ 2018 માટે રાજ્યોને 6,696 કરોડ રૂપીયાના જીએસટી કમ્પન્સેશન જાહેર કરવામાં આવ્યા. આ પ્રકારે નાણાકિય વર્ષ 2017-18 સુધીમાં રાજ્યોને કુલ જીએસટી કમ્પન્સેશન 47,844 કરોડ રૂપીયા જાહેર કરવામાં આવ્યા હતા.