નવી દિલ્હીઃ અદાણી એન્ટરપ્રાઇઝીસની 30મી વર્ષગાંઠે વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન ગૌતમ અદાણીએ શેરધારકોને સંબોધન કર્યું હતું. તેમણે કંપનીના 1994માં તેના પ્રથમ IPOઓથી લઈને અમે જે પડકારોનો સામનો કરીને અમે જે સફળતા હાંસલ કરી છે તે સુધીની અનેરી સફર ઉપર પાછલી નજર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે ગ્રુપ કંપનીઓએ એક વિદેશી શોર્ટ સેલર દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા આરોપોનો આપણે સામનો કરવો પડ્યો હતો જેણે અમારી દાયકાઓની મહેનત પર સવાલ ઉઠાવ્યા હતા. અમારી પ્રામાણિકતા અને પ્રતિષ્ઠા ઉપર થયેલા અભૂતપૂર્વ હુમલાનો સામનો કરીને અમે વળતો મુકાબલો કરીને એ પુરવાર કર્યું છે કે જે પાયા ઉપર આપના જૂથની સ્થાપના કરવામાં આવી છે તેને કોઈ પણ પડકાર નબળું પાડી શકે નહીં.
સામાન્ય શોર્ટ સેલર્સ નાણાકીય બજારોમાંથી નફો રળી લેવાને લક્ષ્ય બનાવે છે, પરંતુ આ શોર્ટ સેલરનો ઇરાદો અલગ હતો તે દ્વિપક્ષી હુમલો હતો – અમારી નાણાકીય સ્થિતિની અસ્પષ્ટ ટીકા અને તે જ સમયે વિકૃત માહિતી ફેલાવવાની ઝુંબેશ અમને રાજકીય સંઘર્ષના મેદાનમાં ખેંચી ગઈ. આ હુમલો અમારી ફોલો-ઓન પબ્લિક ઓફર બંધ થયાના બે દિવસ પહેલાં ગણતરીપૂર્વકની ચાલબાજી હતી. પશ્ચિમના પ્રસાર માધ્યમોના એક ભાગ દ્વારા વ્યાપક રીતે અમને બદનામ કરી મહત્તમ નુકસાન કરવા અને અમારી મહેનતથી કમાયેલા બજારમૂલ્યને નષ્ટ કરવા માટે પ્રપંચ રચવામાં આવ્યું હતું.
આ શોરબકોરને ધ્યાને લઇ ભારતના અત્યાર સુધીના સૌથી મોટા FPO દ્વારા સફળતાપૂર્વક રૂ. 20,000 કરોડ એકત્ર કરવા છતાં અમારા રોકાણકારો પ્રત્યેના અમારા સમર્પણ અને નૈતિક વ્યાપાર પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વળગી રહીને અમે આ રકમ પરત કરવાનો અસાધારણ નિર્ણય લીધો.
આ સ્થિતિમાં જ્યાં મોટા ભાગની કંપનીઓ ભાંગી પડી હશે, તે સંજોગોમાં આપણી લિક્વિડિટી આપણી સૌથી મોટી સંપત્તિ બની ગઈ છે. આપણી રોકડ અનામતને વધુ વધારવા માટે અમે વધારાના રૂ. 40,000 કરોડ ઊભા કર્યા છે, જે અમારા દેવાંની ચુકવણીના આગામી બે વર્ષને આરામથી આવરી લે છે. આ નિર્ણાયક કાર્યવાહી આપની કંપનીની મહાન શક્તિનો પુરાવો છે. તેણે બજારનો વિશ્વાસ પુનઃસ્થાપિત કર્યો અને આપણે માર્જિન-લિંક્ડ ફાઇનાન્સિંગમાં રૂ.17,500 કરોડની પૂર્વ ચુકવણી કરીને કોઈ પણ અસ્થિરતા સામે આપણા પોર્ટફોલિયોનું રક્ષણ કર્યું છે.
આ સાથે તેમણે કેટલાક સો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જીથી માંડીને મુંબઈના ધારાવીમાં વિશ્વના સૌથી મોટા પુનઃવિકાસ પ્રોજેક્ટની વાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે ગ્રુપની ત્રણ પોર્ટફોલિયો કંપનીઓ – અંબુજા, ACC અને APSEZ – હવે AAA રેટેડ છે.
અદાણી પોર્ટ્સ અને સેઝ માટે આ વર્ષ ફળદાયી રહ્યું છે તેણે ૪૦૦ MMT. કાર્ગોના આંકને વટાવી દીધો છે અને વિક્રમરૂપ ૪૨૦ MMT હેન્ડલ કર્યો છે. આપણાં દસ બંદરોએ આજ સુધીનું ઉચ્ચ કાર્ગો વોલ્યુમ નોંધ્યું છે.
રિન્યુએબલ એનર્જીની વૃદ્ધિની સંભાવનાને જોતાં અદાણી ગ્રીન એનર્જીએ તેના નાણાકીય વર્ષ 2029-30ના લક્ષ્યાંકને 45 GWથી 50 GW સુધી સુધાર્યો છે. વર્ષમાં આપણે 2.8 GW ઉમેર્યા છે, જે ભારતના કુલ રિન્યુએબલ ક્ષમતા વધારાના 15 ટકા છે. ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં પ્રથમ 2 GWનું શરૂઆતના 12 મહિનાની અંદર ઉત્પાદન શરૂ કરીને એક વિક્રમ સ્થાપ્યો છે. જે અમલવારીની આપણી ક્ષમતાઓની સંગીન સાબિતી છે.
આપણી ગોડ્ડામાં 1600 મેગાવોટના ટ્રાન્સ-નેશનલ અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટની કામગીરી સાથે અદાણી પાવરની સંચાલન ક્ષમતા 12 ટકા વધીને 15,250 મેગાવોટ થઈ છે. ભારતનો આ એવો પહેલો પાવર પ્લાન્ટ બન્યો છે, જે તમામ વીજ ઉત્પાદન પાડોશી રાષ્ટ્રને નિકાસ કરે છે. અદાણી એનર્જી સોલ્યુશન્સે બે 765 kV લાઈનો સહિત અત્યંત જરૂરી ક્રિટિકલ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શરૂ કરવાનું ચાલુ રાખ્યું છે. આપણી ટ્રાન્સમિશન ઓર્ડર બુક રૂ.17,000 કરોડની છે અને સ્માર્ટ મીટરિંગ ઓર્ડર બુક વધીને 228 લાખ યુનિટ થઈ ગઈ છે. અદાણી ટોટલ ગેસે તેના CNG સ્ટેશનોનો વિસ્તાર કરીને 900 સ્ટેશનોને પાર કર્યા છે અને PNG જોડાણ 8.45 લાખથી વધીને 9.76 લાખ પર પહોંચી ગયા છે. આપણે 606 EV ચાર્જિંગ પોઈન્ટ તેમજ બરસાનામાં ભારતના સૌથી મોટા બાયોમાસ પ્લાન્ટનો પ્રથમ તબક્કો પણ શરૂ કર્યો છે.
આપણી મિડિયા કંપની NDTV એ વૈશ્વિક ડિજિટલ ટ્રાફિકમાં 39 ટકા વધારા સાથે પ્રાદેશિક અને ડિજિટલ રીતે તેની હાજરીનો વિસ્તાર કર્યો છે. આપણી સમક્ષ શક્યતાઓ અપરંપાર છે. પહેલાં કરતાં આપણે વધુ મજબૂત છીએ અને હજુ શ્રેષ્ઠ આવવાનું તો બાકી છે, એમ તેમણે કહ્યું હતું.