નવી દિલ્હીઃ અર્થતંત્રને વેગ આપવા માટેનું આર્થિક પેકેજ જાહેર કરાશે કે નહિ એ મુદ્દો નથી પરંતુ મુદ્દો એ છે કે તે ક્યારે જાહેર કરવું અને એ માટેનો યોગ્ય સમય કોરોના વાઈરસ (કોવિદ-19)ની રસી ઉપલબ્ધ થાય એ સમય હશે, એમ દેશના ચીફ ઈકોનોમિક એડવાઈઝર (સીઈએ) કે.વી. સુબ્રહ્મણિયને કહ્યું છે.
એક વાર કોવિદની રસી ઉપલબ્ધ થાય કે જે થોડા મહિનાઓમાં ઉપલબ્ધ થાય એમ છે અને એને પગલે અનિશ્ચિતતાનો અંત આવે ત્યારે આર્થિક પેકેજ જાહેર કરવાનો યોગ્ય સમય હશે, એમ તેમણે જણાવ્યું હતું.
સીઈએ ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (એફઆઈસીસીઆઈ) દ્વારા યોજવામાં આવેલા વેબિનારને સંબોધી રહ્યા હતા.
સુબ્રહ્મણિયનના જણાવ્યા પ્રમાણે અનિશ્ચિતતાને પગલે માગમાં, ખાસ કરીને જેના વિના ચલાવી શકાય એવી આઈટેમોની માગમાં જોરદાર ઘટાડો થયો છે. આ અનિશ્ચિતતા જ્યાં સુધી ખતમ ન થાય ત્યાં સુધી લોકો પાસે નાણાં આવશે તો પણ તેઓ ખર્ચ કરશે નહિ અને રૂપિયા બેન્કમાં જમા પડેલા રાખશે. જન ધન એકાઉન્ટ્સમાંની પુરાંતોમાં જાન્યુઆરી મહિનામાં રૂ.20,000 કરોડનો ઉછાળો નોંધાયો હતો.
આપણે ચક્રવ્યૂહમાં ફસાયા છીએ જેની શરૂઆત બેન્કોથી થઈ હતી. બેન્કોએ રોકાણ ઘટાડ્યું એટલે વિકાસ ઘટ્યો, જેને પગલે લોકોની આવકો ઘટી અને એને પગલે નીચી માગના અંદાજો મુકાયા એટલે મૂડીરોકાણો ઘટતાં ગયાં.
સુબ્રહ્મણિયને જાહેર અને ખાનગી બેન્કોને છેલ્લામાં છેલ્લા ડેટા અને ટેકનોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અપનાવવાનું કહ્યું જેથી ધિરાણમાં વધારો કરી શકાય અને કોર્પોરેટ ધિરાણની ગુણવત્તા સુધારી શકાય.
વિલફિલ ડિફોલ્ટર્સની સમસ્યા અંગે તેમણે કહ્યું કે બેન્કો તેમની પાસે આવી રહેલા પુષ્કળ ડેટાનો ઉપયોગ કરી પુનઃ ચુકવણીની ક્ષમતા માપી શકે છે એટલું જ નહિ ચુકવણી કરવાની ઈચ્છા કર્જદાર ધરાવે છે કે નહિ એ પણ જાણી શકે છે. મુખ્ય બાબત વિલફુલ ડિફોલ્ટર્સ અને ચુકવણી કરાવાની ખરેખર ઈચ્છા ધરાવતા પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ડિફોલ્ટર્સ વચ્ચેનો ભેદ સમજવાની છે.
વૈશ્વિક મહામારી પૂર્વે અર્થતંત્રમાં મંદી હતી તેનું કારણ બેન્કિંગ ક્ષેત્રમાં નોન-પરફોર્મિંગ એસેટ્સની કટોકટી અને બેન્કોના જોખમ ન લેવાના વલણ જેવી સમસ્યાઓ હતી એમ તેમણે કહ્યું હતું.