નવી દિલ્હી – કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેંબરમાં શિફ્ટ કરવાની છે, જે હાલ એપ્રિલ-માર્ચ પ્રમાણે છે. આ વિશેની જાહેરાત સરકાર ટૂંક સમયમાં જ કરે એવી ધારણા છે.
કૃષિ ઉત્પાદન ઘટનાચક્રની સાથે નાણાકીય વર્ષને જોડી દેવા માટે સરકાર આમ કરવા માગે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષને જાન્યુઆરી-ડિસેંબર બનાવવાના આઈડિયાને ગયા વર્ષે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં રાજ્યોના મુખ્ય પ્રધાનોને સંબોધિત કરતી વેળાએ જ ટેકો આપ્યો હતો.
મોદીએ ત્યારે કહ્યું હતું કે આપણા દેશમાં કૃષિ આવકનું મહત્ત્વ ઘણું વધારે રહે છે તેથી બજેટ પણ વર્ષ માટેની કૃષિ આવક પ્રાપ્ત થયા બાદ તરત જ બનાવવું જોઈએ.
ચોમાસું જૂન મહિનામાં આવી પહોંચતું હોય તેથી રાજ્યો ઘણી યોજનાઓ પરનો અમલ ઓક્ટોબર મહિના સુધી કરી શકતા નથી, પરિણામે યોજનાઓના અમલ માટે માંડ અડધું વર્ષ જ મળે છે.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષને 1,એપ્રિલથી શરૂ કરવાને બદલે 1,જાન્યુઆરીથી શરૂ કરવાની શક્યતા ચકાસવા માટે બે વર્ષ પહેલાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી હતી. સમિતિએ તેનો અહેવાલ સુપરત કરી દીધો હતો.