2200 કરોડ પ્રતિદિન કમાણી! ભારતના ધનપતિઓ વર્સિસ ગરીબી…

દાવોસ: વર્ષ 2018માં ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં 2200 કરોડ રૂપિયા પ્રતિદિનના હિસાબે વધારો થયો છે. આ દરમિયાન દેશના મુખ્ય એક ટકા અમીરોની સંપત્તિમાં 39 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે, જ્યારે 50 ટકા ગરીબ વર્ગની સંપત્તિમાં માત્ર ત્રણ ટકાનો જ વધારો થયો છે. અને બીજી બાજુ દેશની ૧૦ ટકા સૌથી ગરીબ વસતિ 2004થી દેવામાં ડૂબેલી છે. ઓક્ઝફામ (OXFAM) એ તેમના એક રિપોર્ટમાં આ વાત જણાવી છે.

ઓક્ઝફામ રિપોર્ટથી ભારતમાં વધી રહેલી આર્થિક અસમાનતાનો તાજો પુરાવો સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર દેશના 9 ધનકુબેરોની સંપત્તિ દેશની દેશના 50 ટકા ગરીબ વર્ગની સંપત્તિ બરાબર છે.

ઓક્ઝફામના રિપોર્ટ અનુસાર ભારતમાં કરોડપતિઓની સંપત્તિમાં 2018ના વર્ષ દરમિયાન પ્રતિ દિન 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે. દેશની કુલ વસતીના માત્ર એક ટકા લોકોની સંપત્તિ ગયા વર્ષે 39 ટકાના દરે વધી છે. બીજી બાજુ ભારતની લગભગ અડધોઅડધ વસતીનો આર્થિક વિકાસ ઓછી ગતિએ થયો છે. વૈશ્વિક સ્તરે જોઇએ તો 2018ના વર્ષ દરમિયાન દુનિયાભરના માલેતુજાર લોકોની સંપત્તિમાં 12 ટકાના દરે વૃદ્ધિ થઇ.

મહત્વનું છે કે, ભારતના શ્રીમંતોની સંપત્તિમાં વધારો થવાનો દર દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં ક્યાંય વધારે છે. બીજી બાજુ સૌથી ગરીબ વર્ગના લોકોની સંપત્તિમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. સીધો અર્થ એ કે શ્રીમંતો દિવસે ને દિવસે વધારે શ્રીમંત બની રહ્યાં છે અને ગરીબો વધારે ગરીબ બની રહ્યાં છે. દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પાંચ દિવસની બેઠક અગાઉ ઓક્ઝફામ આ આંકડાઓ રજૂ કર્યાં છે.

આ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતની ૧૦ ટકા સૌથી ગરીબ વસતી 2004થી સતત દેવામાં ડૂબેલી છે. ઓક્ઝફામે દાવોસમાં ભાગ લેવા પહોંચી રહેલાં રાજકીય નેતાઓ અને બિઝનેસમેનોને અપીલ કરી છે કે તેઓ શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરને ઘટાડવાની દિશામાં કામ કરે. હકીકતમાં શ્રીમંતો અને ગરીબો વચ્ચે વધી રહેલા અંતરના કારણે ગરીબી સામેની લડતને વિપરિત અસર થઇ રહી છે.

ઓક્ઝફામના મતે આર્થિક અસમાનતાના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર નકારાત્મક અસરો પડી રહી છે.  સર્વેનો સૂચિતાર્થ એ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં શ્રીમંતોનું જ યોગદાન છે અને અબજોની ગરીબ કે મધ્યમવર્ગીય વસતી કોઇક રીતે માત્ર જીવન નિર્વાહ કરી રહી છે. બે વર્ષ અગાઉ એક રિપોર્ટમાં જાહેર થયું હતું કે દર બે વર્ષે એક અબજપતિ બની રહ્યો છે. વર્ષ 2010થી અબજોપતિઓના ધનમાં 13 ટકાના દરે વૃદ્ધિ થઇ છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]