નવી દિલ્હી– કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપતા શેરો અને મ્યુચઅલ ફંડ સાથે જોડાયેલ 26 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કર્યો છે. સરકારી કર્મચારીઓને શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વિગતો જાહેર કરવાની મર્યાદા વધારી દીધી છે. આ મર્યાદા વધારીને કર્મચારીના છ મહિનાના બેઝિક પગાર જેટલી કરવામાં આવી છે. જેથી હવે સરકારી કર્મચારીઓ છ મહિનાના બેસિક પગાર જેટલા રૂપિયાનું શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે.
પર્સોનલ મંત્રાલય દ્વારા આ અંગે તમામ વિભાગોને જાણ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લગભગ 26 વર્ષ જૂના મોનિટરી મર્યાદાના નિયમમાં ફેરફાર કર્યો છે.
અગાઉના નિયમ મુજબ ગ્રુપ એ અને ગ્રુપ બીના અધિકારીઓને શેરો, સિક્યુરિટી, ડિબેન્ચર કે મ્યૂચ્યૂઅલ ફંડ યોજનાઓમાં એક કેલેન્ડર વર્ષમાં 5૦,૦૦૦ રુપિયાથી વધુની લેવડદેવડની વિગતો આપવી પડતી હતી. જ્યારે ગ્રુપ સી અને ડીના કર્મચારીઓ માટે આ મર્યાદા 25,૦૦૦ રુપિયાની હતી.
જો કે હવે નવા નિયમ મુજબ કર્મચારીને પોતાના રોકાણની વિગતો ત્યારે જ આપવી પડશે જો એક વર્ષમાં આ રોકાણ તેમના છ મહિનાના બેઝિક પગારથી વધુ હોય. અધિકારીઓના જણાવ્યા અનુસાર સાતમા પગાર પંચની ભલામણો અમલમાં મૂકાયા પછી સરકારી કર્મચારીઓના પગાર વધ્યા છે. જેને ધ્યાનમાં રાખીને આ મર્યાદા વધારવામાં આવી છે.
વહીવટી અધિકારી વ્યવહારો પર નજર રાખી શકે તે માટે સરકારે કર્મચારીઓની વિગતો માગવાનો નિર્ણય લીધો હતો. નિયમ અનુસાર કોઇ પણ સરકારી કર્મચારી કોઇ પણ શેર કે અન્ય રોકાણમાં સટોડિયા પ્રવૃત્તિઓે કરી ન શકે. જો કોઇ કર્મચારી દ્વારા શેરો, સિક્યુરિટી અને અન્ય રોકાણનું વારંવાર ખરીદ વેચાણ કરવામાં આવશે તો તેને પણ સટોડિયા પ્રવૃત્તિ ગણવામાં આવશે. ક્યારેક બ્રોકર કે અન્ય કોઇ અધિકૃત વ્યકિત દ્વારા કરવામાં આવતા રોકાણને મંજૂરી આપવામાં આવી છે.