વેનિસ (ઈટાલી): ગ્રુપ ઓફ 20 (G20) સમૂહના દેશોના નાણાં પ્રધાનો અહીંથી આયોજિત બે-દિવસીય બેઠકમાં એક વૈશ્વિક કર પ્રણાલી (ગ્લોબલ કોર્પોરેટ ટેક્સ રેટ) તૈયાર કરવાની યોજના પર આગળ વધવા આજે સહમત થયાં છે. નવી કર પ્રણાલી બહુરાષ્ટ્રીય કંપનીઓ પર લઘુત્તમ કર લાગુ કરશે. નાણાંપ્રધાનો તથા કેન્દ્રીય બેન્કોના ગવર્નરોએ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કર પ્રણાલીમાં સુધારો કરવાની સર્વાનુમત ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આ બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો.
જી-20 દેશોના નાણાં પ્રધાનોએ ટેક્સ હેવન (કરમાફીની સુવિધા) પર લગામ મૂકવાને સમર્થન આપ્યું છે. જો આનો અમલ થશે તો એ મલ્ટીનેશનલ કંપનીઓના નફાને દુનિયાભરમાં ઓછા-કરવેરાવાળા ટેક્સ-હેવન દેશોમાં સ્થાનાંતરિત કરવાની એવી કંપનીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકશે.
1999માં રચવામાં આવેલા જી-20 ગ્રુપમાં આ દેશો સામેલ છેઃ આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, મેક્સિકો, રશિયા, સાઉથ આફ્રિકા, સાઉદી અરેબિયા, સાઉથ કોરિયા, તૂર્કી, બ્રિટન, અમેરિકા, યૂરોપીયન યૂનિયન. સ્પેનને કાયમી મહેમાન તરીકે આમંત્રિત કરાયું છે.