મિત્રોએ લોકડાઉનમાં ‘તાલમેળ’ બેસાડીને કરી લાખોની કમાણી

ભોપાલઃ પ્લાસ્ટિક આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. આપણી સવારથી પ્લાસ્ટિકના બ્રશ સાથે થાય છે, એ પછી દિવસભર આપણે કેટલીય પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વાપરીએ છીએ, પણ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં રહેતા પરાગ મહેશ્વરીએ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સામે ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો બનાવવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને લાખોની કમાણી કરી છે.  

ભોપાલની જાગરણ લેકસિટી યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ થયેલા પરાગ કહે છે કે કોરોના રોગચાળાને પગલે લોકડાઉનમાં અમારી પાસે જોબની ઓફર હતી, પણ એ ઓફર હાથમાંથી ચાલી ગઈ. નોકરી ઓફર ચાલી ગયા પછી અમે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે વિચાર્યું, કેમ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. વળી, રોગચાળાએ અમને પર્યાવરણનું જતન કરવાનું શીખવ્યું હતું અને કેટલાય લોકો ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો પર કામ કરી રહ્યા હતા, પણ એ ઉત્પાદનો પર ખર્ચ વધુ આવતો હતો. જેથી અમે વાજબી અને ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો બનાવવાનું નક્કી કર્યું. આ બધી ચીજવસ્તુઓના ‘તાલમેળ’થી અમારા સ્ટાર્ટઅપને પણ નામ મળ્યું અને જૂન 2020માં અમારા સાહસ ‘Taal mell’નો પ્રારંભ થયો.

અમે પ્રારંભમાં દૈનિક ધોરણે ઉપયોગમાં લેવાતા બામ્બુ ટૂથબ્રશથી માંડીને નીમ વૂડ કોમ્બ, તાંબાની બોટલ, રિસાઇકલ પેપર પેન, કોકોનટ બાઉલ જેવા સસ્ટેનેબલ પ્રોડક્ટ બનાવી છે.

હાલ તાલમેલનાં ઉત્પાદનો આઠ ઈ-કોમર્સ પ્લેટફોર્મની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પરાગ અને હર્ષીએ રૂ. 60,000ની વ્યક્તિગત બચતથી આ સ્ટાર્ટઅપનો પ્રારંભ કર્યો હતો, જેનું હાલ વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખ છે. તેઓ એ સાથે 50 લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.