નવી દિલ્હીઃ વિશ્વના મોંઘા સ્માર્ટફોન આઇફોન બનાવતા મજૂરોની સ્થિતિ ખરાબ છે. તામિલનાડુની જે કંપનીમાં ફોક્સકોન કંપનીમાં આઇફોન બનાવે છે, ત્યાં મજૂરોને હલકી ગુણવત્તાનો ખોરાક મળતો હતો, જેનાથી આશરે એક સપ્તાહમાં મજૂરો વિરોધ કરી રહ્યા હતા, જેથી ફેક્ટરી હાલ ઠપ છે. હવે તાઇવાનની કંપની ફોક્સકોને વિવાદને ઉકેલવા માટે ફેક્ટરીના સંપૂર્ણ મેનેજમેન્ટને બદલવાનો નિર્ણય કર્યો છે.
એપલનો પુરવઠો પાડતી કંપની ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપે બુધવારે કહ્યું હતું કે કંપની તામિલનાડુના શ્રીપેરામ્બુદૂર ફેક્ટરીના કર્મચારીઓના નિવાસસ્થળે હાલમાં મોટા પાયે હલકી ગુણવત્તાના ભોજન આપવાની ઘટના પછી સ્થાનિક મેનેજમેન્ટનું પુનર્ગઠન કરી રહ્યું છે. એપલના એક પ્રવક્તાએ કહ્યું હતું કે ફોક્સકોનના શ્રીપેરામ્બુદૂર યુનિટને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે.
ફોક્સકોને એક નિવેદનમાં કહ્યું હતું કે બધા કર્મચારીઓને પગાર ચૂકવવાનું જારી રહેશે, જ્યારે કામકાજ ફરીથી શરૂ કરવા પહેલાં જરૂરી સુધારા કરવામાં આવશે. કંપનીએ કહ્યું હતું કે કર્મચારીઓ કામ પર પરત ફર્યા પછી પણ કંપની તેમને મદદ કરવાનું જારી રાખશે.
ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપે એક નિવેદનમાં કહ્યું હતું કે અમે અમારું સ્થાનિક મેનેજમેન્ટનું ગ્રુપ અને કાર્ય પ્રણાલીનું પુનર્ગઠન કરી રહ્યા છીએ, જેથી ઊંચા માપદંડો સ્થાપી શકાય. એપલના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ રાખતા રહીશું.
