અમદાવાદઃ અમેરિકાની ફોર્ડ કંપનીએ ભારતમાં તેના પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ગુજરાત સાણંદ ખાતેનો એસેમ્બ્લી પ્લાન્ટ 2021ના અંત સુધીમાં અને તામિલનાડુમાં ચેન્નાઈમાંનો મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ 2022ના બીજા ક્વાર્ટરમાં બંધ કરી દેશે. ભારતમાંથી રવાના થનાર આ બીજી અમેરિકન કાર ઉત્પાદક કંપની છે. આ પહેલાં જનરલ મોટર્સ તેના પ્લાન્ટ બંધ કરી ચૂકી છે.
ફોર્ડના પ્લાન્ટ બંધ થવાથી ભારતમાં આશરે 4,000 જણની નોકરી જઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે આર્થિક નુકસાન અને ભારતમાંની કાર માર્કેટમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવના કારણે તેણે ભારતમાં ઉત્પાદન બંધ કરવાનું નક્કી કર્યું છે. કંપની 26 વર્ષથી ભારતમાં કાર ઉત્પાદન અને એસેમ્બલિંગ કામગીરીઓ કરતી હતી. ફોર્ડની ફિગો અને એસ્પાયર કાર ઉત્તમ પેટ્રોલ એન્જિનવાળી છે, પણ ભારતમાં એ બજારમાં છવાઈ જવામાં નિષ્ફળ રહી. ટાટા, મારુતિ અને હ્યુન્ડાઈ સામેની હરીફાઈમાં એ પાછળ રહી ગઈ. સાણંદ પ્લાન્ટમાં 2.4 લાખ કાર અને 2.7 લાખ એન્જિન બનાવવાની ક્ષમતા છે. જ્યારે ચેન્નાઈ પ્લાન્ટમાં બે લાખ કાર અને 3.4 લાખ એન્જિન બનાવવાની ક્ષમતા છે. 90ના દાયકામાં ભારતમાં પ્રવેશ કરનાર ફોર્ડ કંપનીને છેલ્લા 10 વર્ષોમાં ભારતમાં બે અબજ ડોલરનું નુકસાન ગયું હોવાનું મનાય છે.