જેટલીની બજેટ બેગમાંથી આજે શું નીકળશે?

અમદાવાદ– નાણાંપ્રધાન અરુણ જેટલી આજે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. 2019ની લોકસભાની ચૂંટણી અને 2018 અને 2019માં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મોદી સરકાર માટે આ છેલ્લું બજેટ છે, જેમાં મતદારોને આકર્ષી શકે તેવી જોગવાઈઓ કરે. આર્થિક સુધારાને વેગ આપવો, તેમજ વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવો, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી માંડીને જીએસટીનો વ્યાપ વધારીને જીએસટી દર ઘટાડવો, જેવા અનેક દરખાસ્તો આ બજેટ આવે તેવો આશાવાદ છે. જેટલીના બજેટમાં આમ જનતાને મોંઘવારીમાં ઘટાડો થાય તેવા કોઈ ચોક્કસ પગલાં લેવાય તે માટે સરકાર જાહેરાત કરે તેવી અપેક્ષા છે. જોઈએ હવે બજેટમાં કોની કેટલી આશા અપેક્ષા ફળીભૂત થાય છે.આમ તો દર વર્ષે બજેટમાં વધુ પડતી આશા અપેક્ષા રાખનારા દર વખતે નિરાશ થતાં હોય છે. સ્ટોક માર્કેટ હાલ તેજીમાં છે. સેન્સેક્સ અને નિફટી લાઈફ ટાઈમ હાઈ પર છે. જેથી સ્ટોક માર્કેટ પણ નવી તેજીના આશાવાદ સાથે ઉભું રહ્યું છે.

નાણાxપ્રધાન જેટલીએ ઈકોનોમિક સર્વેમાં તો ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યું છે, પણ હકીકત જુદી છે. જીડીપી ગ્રોથના આંકડાની માયાજાળ રચીને અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે, તે દર્શાવ્યું છે. ફિસ્કલ ડેફિસીટ ધારણા કરતાં વધુ વધી છે. અંદાજ કરતાં 97 ટકાએ પહોંચી ગઈ છે. મોંઘવારી વધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધ્યા છે, તેને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો જોવા મળશે. જે પછીની સાયકલ અનુસાર મોંઘવારી વધુ વધશે. વ્યાજના દર ઘટતા રહ્યા છે. ઔદ્યોગિક ઉત્પાદનનો આંક સતત ઘટ્યો છે. જીડીપી પણ ઘટ્યો છે. આ બધુ થવા પાછળ માત્ર જીએસટીને દોષ દેવાયો છે. પણ હવે શું થશે, તે તો સમય બતાવશે. આ તમામ નેગેટિવ ફેકટર વચ્ચે જેટલીએ બજેટ રજૂ કરવું પડશે. અને તેમાં અર્થતંત્રને વેગ મળે તેવું ઈન્જેક્શન પણ આપવું પડશે.

  • ફિસ્કલ ડેફિસીટમાં કાપ મૂકવા સરકારી ખર્ચમાં કાપ મૂકવો પડે
  • સબસિડીનું ભારણ ઘટાડવું પડે
  • ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે માટે કોર્પોરેટ ટેક્સ ઘટાડી અને ટેક્સનો વ્યાપ કેમ વધે તે માટે વિચારવું પડશે.
  • મોંઘવારીનો દર અંકુશમાં રહે તે જેટલીના બજેટમાં પ્રાથમિકતા હોવી જોઈએ.
  • બેંકિંગ સેકટરમાં એનપીએ દૂર થાય તે માટે સરકાર વધારાનું મૂડીરોકાણના રકમની ફાળવણી કરશે.
  • મોંઘવારી વધતી ગઈ છે, જેથી વ્યક્તિગત આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો થાય અથવા તો 80 સી મુજબ 1,50,000ની મર્યાદામાં વધારો કરીને 2,00,000 કરાય તેવી ધારણા છે
  • બજેટમાં શિક્ષણ માટે જોગવાઈમાં વધારો કરાશે, આરટીઈનો દાયરો વધે તેવી જાહેરાત કરાશે.
  • હેલ્થ બજેટમાં 10 ટકાનો વધારો કરાશે. સ્વાસ્થ્ય વિમા હેલ્થ બજેટ પર ફોક્સ રહેશે.
  • રાષ્ટ્રીય રોજગાર યોજનાની જાહેરાત કરાશે. વધુ નોકરી આપતી કંપનીઓને રાહત અપાય તેવી ગણતરી છે.
  • જેમ્સ જ્વેલરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે રાહત પેકેજ આવી શકે છે. ગોલ્ડ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી 10 ટકા છે, તેમાં ઘટાડો કરાય તેવી સંભાવના છે.
  • સ્ટાર્ટઅપ અને ડિજિટલ ઈન્ડિયા માટે લાભકારી દરખાસ્તો આવશે.
  • જીએસટી કલેક્શન ઘટ્યું છે, જેથી સરકારનો પ્રયત્ન હશે કે જીએસટીમાં આવક કેમ વધુ થાય.
  • શેરોમાં રોકાણ પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન્સ ટેક્સ આવી શકે છે
  • સિક્યુરિટી ટ્રાન્ઝક્શન ટેક્સમાં સામાન્ય વધારો કરી શકે છે જેટલી