નાણાં પ્રધાને ઈન્ડિયા INX પર રૂપી-ડોલર ડેરિવેટિવ્સ ટ્રેડિંગનું ઉદઘાટન કર્યું

મુંબઈ, 8 મે, 2020: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બીએસઈના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) લિમિટેડ (India INX) પર INR-USD (રૂપી-ડોલર) ડેરિવેટિવ્સનું ઉદઘાટન કર્યું હતું.

દેશભરમાં હાલ કોરોના વાઈરસને રોકવા લોકડાઉન લાગુ હોવાથી નાણાં પ્રધાને આ લોન્ચ વર્ચ્યુઅલી કર્યું હતું, જેમાં તેમણે ઇલેક્ટ્રોનિકલી બેલ વગાડ્યો હતો તથા ઇન્ડિયા આઇએનએક્સ પર ટ્રેડિંગ માટે રુપી-ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ શરૂ થયાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયા આઇએનએક્સના ચેરમેન આશિષકુમાર ચૌહાણે આ પ્રસંગે કહ્યું હતું કે, “INR-USD કોન્ટ્રાક્ટ ઓફશોર રૂપી ડોલર બજારોને ભારતમાં લાવવાની શ્રેષ્ઠ પહેલ છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગિફ્ટ સિટી આઇએફએસસી સ્થાપિત કરવાના વિઝનની પ્રશંસા કરું છું. હું નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના ગિફ્ટ આઇએફએસસીને એના ક્ષેત્રમાં ખરાં અર્થમાં લીડર બનાવવા માટે પ્રયાસો કરવા માટે પ્રશંસા કરું છું, જેમણે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા આઇએનએક્સમાં રુપી ડોલર કોન્ટ્રાક્ટનું ઉદઘાટન કર્યું છે. હું અન્ય તમામ નિયમનકારી સંસ્થાઓ અને અધિકારીઓનો આભાર માનું છું, જેમણે આ લોંચને સફળતા અપાવવામાં પ્રદાન કર્યું છે.”

ઇન્ડિયા આઇએનએક્સે જાન્યુઆરી, 2017માં ટ્રેડિંગ એક્ટિવિટી શરૂ કર્યા પછી અત્યાર સુધી એના પર ટ્રેડિંગ વોલ્યુમમાં અસાધારણ વધારો થયો છે. લોંચ થયા પછી કુલ 822 અબજ ડોલરના સંચિત ટ્રેડિંગ વોલ્યુમ અને અંદાજે 48 અબજ ડોલરના આંતરરાષ્ટ્રીય ડેટ એમટીએન પ્રોગ્રામ સાથે ભારતનું ભારતીય રૂપી-અમેરિકન ડોલર ડેરિવેટિવ આઇએફએસસીમાં વધારે ભાગીદારોને આકર્ષશે એવી અપેક્ષા છે તથા ઇન્ડિયા આઇએનએક્સને દુનિયામાં ઇશ્યૂઅર્સ માટે મૂડી વધારવા અગ્રણી સેન્ટર બનાવશે.