નવી દિલ્હીઃ દેશમાં તમામ નેશનલ હાઈવે પર 15/16 ફેબ્રુઆરીની મધરાતથી એટલે કે આવતીકાલ, સોમવારથી ટોલ પ્લાઝા (FASTag) ‘ફાસ્ટેગ’વાળા બની જશે. ટુ-વ્હીલર વાહનોને બાદ કરતાં તમામ વાહનો માટે 15 ફેબ્રુઆરીથી ઓટોમેટિક ટોલ પ્લાઝા પેમેન્ટ સિસ્ટમ – ફાસ્ટેગ ફરજિયાત છે. સોમવારથી ટુ-વ્હીલરને બાદ કરતાં અન્ય કોઈ પણ વાહન ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝામાંથી પસાર થશે તો એણે બમણો વેરો ચૂકવવો પડશે. જે વાહનચાલકોએ એમના વાહન પર ફાસ્ટેગ ઈન્સ્ટોલ કરાવ્યું નહીં હોય કે એનું ટેગ બરાબર કામ કરતું નહીં હોય તો એણે વાહનની કેટેગરી માટે લાગતી ફી બમણી ચૂકવવી પડશે.
ફાસ્ટેગ એ ભારતમાં શરૂ કરાયેલી ટોલ (ટેક્સ) વસૂલ કરવાની એક ઈલેક્ટ્રોનિક પદ્ધતિ છે. તેનું સંચાલન નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરાય છે. વાહનચાલકના ખાતામાંથી ટોલ પેમેન્ટની રકમ સીધી ટોલ વસૂલ કરનાર માલિકના ખાતામાં જમા થાય છે. આવી પદ્ધતિથી ભ્રષ્ટાચાર અટકે છે. ટેક્સ વસૂલીની વિગત પારદર્શક બને છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે કહ્યું છે કે આ વ્યવસ્થા ટોલ પ્લાઝાઓ પર ટેક્સ ચૂકવણીની પ્રક્રિયાને ડિજિટલ બનાવવા, પ્રતીક્ષાનો સમય ઘટાડવા, ઈંધણની બચત કરવા તથા પ્રવાસીઓને ટોલ પ્લાઝાઓમાંથી આસાનીથી રવાના થવાની સુવિધા આપવામાં માટે શરૂ કરાઈ છે.