ન્યૂયોર્કઃ ઈલેક્ટ્રિક વાહનો બનાવતી ટેસ્લા કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ઈલોન મસ્કે આ કંપનીના 3.58 અબજ ડોલરની કિંમતના 2 કરોડ 20 લાખ શેર આ અઠવાડિયે વેચી દીધા છે. આ જાણકારી યૂએસ શેરબજાર પાસેથી મળેલી માહિતીના આધારે થઈ છે. તેઓ છેલ્લા એક વર્ષમાં ટેસ્લાના લગભગ 40 અબજ ડોલરના શેર વેચી ચૂક્યા છે. હવે એમની પાસે ટેસ્લાના 13.4 ટકા શેર છે. ટેસ્લા દુનિયાની સૌથી મૂલ્યવાન કારઉત્પાદક છે.
મસ્કે ગયા ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટર કંપનીની ખરીદી કરી હતી. ઈન્વેસ્ટરોને ચિંતા છે કે ટ્વિટર ખરીદ્યા બાદ ટેસ્લાના બિઝનેસ પરથી મસ્કનું ધ્યાન ઓછું થઈ ગયું છે. ટેસ્લાનો શેર આ વર્ષમાં ઘણો ધોવાઈ ગયો છે અને શેરબજારમાં એ સૌથી ખરાબ પરફોર્મ કરનાર ઓટોમોબાઈલ અને ટેક્નોલોજી કંપનીનો શેર બન્યો છે. મસ્ક દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનું લેબલ પણ ખોઈ ચૂક્યા છે.