મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઇઓ) ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાનની તત્કાળ ધરપકડ કરીને લોકોના હજારો કરોડ રૂપિયાની ઉચાપત બાબતે સઘન તપાસ કરવી જોઈએ, એવી માગણી 63 મૂન્સ ટેક્નોલોજીસ કંપનીએ કરી છે.
ટેક્નોલોજી ક્ષેત્રની આ અગ્રણી કંપનીએ મદ્રાસ વડી અદાલતના ચુકાદાનો સંદર્ભ આપતાં જણાવ્યું છે કે અદાલતના આદેશ અનુસાર વાધવાન કોઈપણ એસેટ બાબતે વેચાણ કે બીજો કોઈ વ્યવહાર કરી શકે નહીં.
વાધવાને 43,879 કરોડ રૂપિયા મૂલ્યના હોવાનું કહેવાતા 10 પ્રોજેક્ટ પરના પોતાના અધિકાર રિઝર્વ બેંકના વહીવટદારને ટ્રાન્સફર કરવાનું કહીને એમની સમક્ષ સેટલમેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. હકીકતમાં આ પ્રસ્તાવ ભેદ ભરેલો છે, એમ જણાવતાં 63 મૂન્સે કહ્યું છે કે ડીએચએફએલના પ્રમોટરોની એસેટ્સ તપાસનીસ એજન્સીએ ટાંચમાં પહેલેથી લઈ લીધેલી છે અને મદ્રાસ વડી અદાલતે એ મિલકતો બાબતે મનાઈહુકમ આપ્યો છે. આથી વાધવાને કરેલી ઓફર ગેરમાર્ગે દોરનારી છે. એમને પોતાની એક ઇંચ મિલકતનું પણ વેચાણ કે ટાઈટલ ટ્રાન્સફર કરવા સહિતનો કોઈ પણ વ્યવહાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
અહીં જણાવવું રહ્યું કે ડીએચએફએલના રિઝોલ્યુશન પ્રોફેશનલે તૈયાર કરેલા અહેવાલ મુજબ ધિરાણકર્તાઓના ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરીને ડીએચએફએલના પ્રમોટરો અને એમની માલિકીની તથા એમના હસ્તકની એન્ટિટીઝમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. જો કે, અખબારી અહેવાલો મુજબ આ કંપનીઓ 94,900 કરોડ રૂપિયાનું દેવું ધરાવે છે.
આ ગંભીર બાબતોને ધ્યાનમાં લેતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ વાધવાનની તત્કાળ ધરપકડ કરવી જોઈએ. આ બંને એજન્સીઓએ વાધવાનની ધરપકડ કર્યા બાદ તેમની પાસે નાણાં અને પુષ્કળ સંપત્તિ ક્યાંથી અને કેવી રીતે આવ્યાં એની ઊંડી તપાસ હાથ ધરવી જોઈએ, એમ કહેતાં 63 મૂન્સ ટેક્નોલોજીસે ઉમેર્યું છે કે ક્યારેય પોતાની અંગત એસેટ જાહેર નહીં કરનારા વાધવાને હવે ઘણા મોટા પ્રમાણમાં એસેટ જાહેર કરી છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે એમણે ડીએચએફએલમાંથી પ્રચંડ મોટી રકમ ગેરવલ્લે કરી છે અને તેને પોતાની તથા પોતાના પરિવારની સંપત્તિ ગણાવી છે.
વાધવાનને અત્યારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ નોંધેલા કેસમાં જામીન મળ્યા છે, પણ હવે આર્થિક ગુના શાખા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સ્પેશિયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસે વાધવાનના નાણાકીય વ્યવહારો બાબતે ઊંડી તપાસ કરીને આટલી બધી સંપત્તિ ક્યાંથી ભેગી કરાઈ એનો તાગ કાઢવો જોઈએ. આ કામ વાધવાનને કસ્ટડીમાં લઇને ઉલટતપાસ કર્યા વગર શક્ય નહીં બને, એમ 63 મૂન્સે કહ્યું છે.
તેણે એમ પણ કહ્યું છે કે લાખો રોકાણકારોનાં હિતનું જતન કરવા માટે કપિલ અને ધીરજ વાધવાન તથા તેમના પરિવારજનોની બધી જ સંપત્તિ પર ટાંચ મૂકવામાં આવવી જોઈએ. આ લોકોએ ડીએચએફએલની મિલકતો પોતાના અંગત નામે ટ્રાન્સફર કરી છે કે કેમ તેના વિશે માહિતી મેળવવાનો દરેક ઇન્વેસ્ટર, ક્રેડિટર અને લેન્ડરને અધિકાર છે.