નવી દિલ્હી – એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ જણાવ્યું છે કે પંજાબ નેશનલ બેન્કને સંડોવતા કરોડો રૂપિયાના કૌભાંડના એણે આદરેલી તપાસના ભાગરૂપે ફરાર હીરાના વેપારી નીરવ મોદીની રૂ. 171 કરોડની કિંમતની પ્રોપર્ટી જપ્ત કરી છે.
વધુ તપાસ દરમિયાન નીરવ મોદીની માલિકીની વધુ પ્રોપર્ટીઓ અને બેન્ક એકાઉન્ટ્સ ધ્યાનમાં આવ્યા છે.
બેન્ક સ્ટેટમેન્ટ્સ, પ્રોપર્ટીને લગતા દસ્તાવેજો તથા સંબંધિત વ્યક્તિઓએ રેકોર્ડ કરાવેલા નિવેદનોના આધારે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 અંતર્ગત નીરવ મોદીની રૂ. 171 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આ પ્રોપર્ટીઓમાં ચાર મુંબઈ અને સુરતમાંની કમર્શિયલ ઓફિસો છે. જેની કિંમત રૂ. 72.87 કરોડ છે. 106 બેન્ક એકાઉન્ટ્સ છે જેમાં રૂ. 55.12 કરોડની એકાઉન્ટ બેલેન્સ છે. રૂ. 35.86 કરોડના 15 ડીમેટ એકાઉન્ટ્સ છે અને 11 કાર છે જેની કિંમત રૂ. 4.01 કરોડ છે.
ઈડી તપાસ એજન્સીએ બેન્કો સાથે રૂ. 14,500 કરોડની રકમની છેતરપીંડી કરવા બદલ ડાયમંડ જ્વેલર નીરવ મોદી અને એમના મામા મેહુલ ચોક્સી (ગીતાંજલી ગ્રુપ) સામે અલગ કેસ નોંધ્યો છે.
એજન્સીએ અત્યાર સુધીમાં દેશભરમાં 251 પ્રોપર્ટીઓ પર દરોડા પાડીને હીરા, સોનું, મોતી તથા કિંમતી પથ્થરો કબજે કર્યા છે. એણે નીરવ મોદી ગ્રુપ અને મેહુલ ચોક્સી ગ્રુપની રૂ. 7,638 કરોડની કિંમતની જંગમ મિલકતને પણ ટાંચ મારી છે.
ચોક્સી, નીરવ મોદી અને એમનો પરિવાર ગયા જાન્યુઆરીમાં ભારતમાંથી ભાગી ગયા હતા.