વોશિંગ્ટનઃ ચીન સાથેના ટ્રેડ વોરને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરતા જણાવ્યું છે કે અત્યારે અમે પીછેહટ કરવાના મૂડમાં નથી. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ આ ટેરિફને 500 અરબ ડોલર સુધીના ચીની સામાન સુધી લઈ જઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિએ જણાવ્યું કે બંને દેશો વચ્ચે કોઈ સારી ડીલ ન થાય ત્યાં સુધી આ સ્થિતિ બની રહેશે. અમેરિકાએ પહેલા જ 50 અરબ ડોલર સુધીના ચીની સામાનો પર 25 ટકા સુધીનો ટેક્સ લગાવ્યો છે. બંને દેશો અત્યારે એકબીજા પર ટેરિફ લગાવવાની હોડમાં લાગ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે હું આપને જણાવી દઉં કે અમેરિકા સાથે ચીન કોઈ ડીલ કરવા ઈચ્છે તો તે ડીલ અમેરિકા માટે ફાયદાકારક હોય તો જ તે ડીલ કરવામાં આવશે. તેમણે ચીન વિરૂદ્ધ ટેરિફ વોરમાં કોઈપણ પ્રકારે નરમાશ ન વર્તવાનો અને પીછેહટ કરવાનો ઈનકાર કરી દીધો છે. ચીન વિરૂદ્ધ ટેરિફ વોરમાં પીછેહટના સવાલ પર ટ્રમ્પે જણાવ્યું કે આ વાત કોઈ કાળે શક્ય નથી કે અમે ટેરિફ વોરમાં પીછેહટ કરીએ.