ઘરેલુ પર્યટનક્ષેત્રમાં તેજીનું પુનરાગમન

નવી દિલ્હીઃ દેશમાં ઘરેલુ વિમાન પ્રવાસ તથા હોટેલોમાં રૂમ બુકિંગની માગ કોરોનાવાઈરસ મહામારી પૂર્વેના સમયગાળા કરતાં પણ વધી ગઈ છે. આને કારણે ઘરેલુ પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો ઘણી રાહતનો અનુભવ કરી રહ્યા છે. વિમાન પ્રવાસ અને હોટેલ બુકિંગ્સ જેવી સેવાઓની માગ પ્રી-કોવિડ સમયગાળા વખતના આંકને પણ પાર કરી ગઈ છે. 26 ડિસેમ્બર, સોમવારે દેશમાં ઘરેલુ વિમાન પ્રવાસ કરનારાઓની સંખ્યા 4,23,000 નોંધાઈ હતી, જે કોવિડ-19 પૂર્વે 4,20,000 હતી. 24 ડિસેમ્બર,2022ના રોજ તો ઘરેલુ એર ટ્રાવેલર્સની સંખ્યા 4,35,000 નોંધાઈ હતી.

ભારતમાં વિમાન પ્રવાસીઓની સંખ્યામાં થયેલા આ વધારાનું કારણ શું? પર્યટન ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે, ઘણા દેશો હજી કોરોના બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે અને તેને કારણે અનેક પ્રકારના નિયંત્રણો આજે પણ લાગુ છે. એને કારણે ભારતમાં પ્રવાસ કરવાનું વધારે લોકો પસંદ કરી રહ્યા છે. ગોવા, જયપુર, શિમલા, ઉદયપુર, શ્રીનગર, મનાલી જેવા લોકપ્રિય સ્થળો ઉપરાંત હવે વાયનાડ, મૈસુર, ઊટી, કૂર્ગ, ગેંગટોક, દેહરાદૂન, આગરા, ધરમશાલા, દાર્જિલિંગ જેવા સ્થળોએ જતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. વળી, લોકો પ્રીમિયમ પ્રોપર્ટીઓમાં, લક્ઝરી અનુભવ મેળવવા માટે વધારે દિવસો સુધી રહેવાનું પણ પસંદ કરવા લાગ્યા છે.