દિવાળીઃ 62 ટકા કોર્પોરેટ કર્મચારીઓને પગારવધારો મળ્યો

નવી દિલ્હીઃ નોકરીની અનિશ્ચિતતાની વચ્ચે વર્ષ 2023 કર્મચારીઓ માટે આશા વધારનારું વર્ષ છે. અનેક વર્ષોનો અનુભવ અને કેટલીય ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી ચૂકેલા આશરે 62 ટકા કર્મચારીઓની સેલરીમાં આ વર્ષે વધારો કરવામાં આવ્યો છે, એમ એપ્રાઇઝલ ટ્રેન્ડ રિપોર્ટ કહે છે.

અહેવાલ કહે છે કે બિન મેટ્રો શહેરોમાં કમસે કમ 13 ટકા પ્રોફેશનલ્સને 20 ટકાથી વધુનો વધારો મળ્યો છે. મેટ્રો શહેરોમાં 11 ટકા પ્રોફેશનલ્સના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ ડેટા બિન મેટ્રો વિસ્તારમાં ટેલેન્ટની વધતી તકો તરફ ઇશારો કરે છે. એસોસિયેટ સ્તરના પ્રોફેશનલ્સ (4-6 વર્ષ)ની આ વર્ષે વધુ સેલરી વધી છે. જોકે એન્ટ્રી લેવલના અડધાથી વધુ કર્મચારીઓની સેલરીમાં થોડોક પણ વધારો નથી થયો. 17 ટકા કર્મચારીઓને 5-10 ટકા વધારો મળ્યો છે અને 15 ટકાને 10-15 ટકા પગારવધારો મળ્યો છે. મિડ-સિનિયર સ્તરના 23 ટકા કર્મચારીઓ (7-10 વર્ષના અનુભવી)ને 5-10 ટકાની રેન્જમાં એપ્રેઝલ મળ્યું છે. લીડરશિપ પોઝિશન એટલે કે ઉચ્ચ સ્તરે કાર્યરત આશરે 19 ટકા અધિકારીઓ (16 વર્ષથી વધુ અનુભવ)ને 5-10 ટકાનો પગારવધારો મળ્યો છે.

સૌથી વધુ મધ્યમ સ્તરના એટલે મધ્ય હરોળના કર્મચારીઓને 13 ટકાને 20 ટકા સુધીને વધારો મળ્યો છે. ફાઉન્ડિટના CEO શેખર ગરિસાએ કહ્યું હતું કે બિન મેટ્રો શહેરોમાં કર્મચારીઓની સેલરીમાં ઉત્સાહજનક પગારવધારો જોવા મળ્યો છે. આજે વર્કપ્લેસ કલ્ચર, સ્કિલિંગ તક, અને ટીમ લીડિંગની તક કર્મચારીના મનોબળ પર વધુ અસર કરે છે. હેલ્થકેર અને BPO-ITES ક્ષેત્રએ આ વર્ષે 90 ટકાથી વધુ કર્મચારીઓની સેલરી વધારવાની રજૂઆત કરી છે.