કોરાના રોગચાળાને લીધે રેસ્ટોરાં ઉદ્યોગની ટેક્સ હોલિડેની માગ

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષથી વિશ્વ અને દેશમાં કોરોના રોગચાળાએ કહેર મચાવ્યો છે. વળી, દેશમાં કોરોનાના કેસોમાં વધારો થતાં નિયંત્રણો લાગ્યાં છે, જેની સૌથી વધુ પ્રતિકૂળ અસર રેસ્ટોરાં ઉદ્યોગ પર પડી છે. જેથી કોરોના રોગચાળાની વચ્ચે રેસ્ટોરાં ઉદ્યોગે સરકાર પાસે ટેક્સનું સરળીકરણ, ટેક્સ હોલિડે અથવા એક્સાઇઝ વિભાગને અપાતી ફીમાં ઘટાડો અને અન્ય બાબતોની માગ કરી છે. કોરોના રોગચાળામાં હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ ભારે સંઘર્ષ કરી રહ્યો છે. દેશમાં FY21માં રૂ. બે લાખ કરોડનો ધંધો થયો હતો, જે નાણાં વર્ષ 2020માં રૂ.4.23 લાખ કરોડ હતો. આમ રેસ્ટોરાં ઉદ્યોગનો વેપાર 50 ટકા થયો છે. આ ઉપરાંત રોગચાળાના સમયમાં 30 ટકા રેસ્ટોરાં કાયમ માટે બંધ થઈ હતી., એમ નેશનલ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું.

2020માં જ્યારે રોગચાળાને લીધે સરકારે MSMEમાં ખાસ કરીને રેસ્ટોરાંને વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે કોલેટરલ-ફ્રી લોન તરીકે રૂ. ત્રણ લાખ કરોડની લોન ઓફર કરી હતી, આ ઉપરાંત એક વર્ષના મોરિટોરિયમના સમયગાળા સાથે તેમને લોન ભરવા માટે ચાર વર્ષની મુદત આપી હતી, પણ રેસ્ટોરાં ચલાવતા માલિકોએ કહ્યું હતું કે આ પગલાંથી તેમને કોઈ લાભ નથી થયો. અમારે લોન ભરવા માટે મોરિટોરિયમ નથી જોઈતો, પણ અમારે ટેક્સ હોલિડે સહિત અન્ય રાહતોની જરૂર છે, એમ વ્હાઇટ પાન્ડા હોસ્પિટાલિટીના ભાગીદાર અજિત શાહે કહ્યું હતું.

વળી, દેશમાં એકમાત્ર આ ઉદ્યોગ એવો જેમાં, ઇનપુટ ક્રેડિટ નથી મળતી. જેથી ઉદ્યોગ કમસે કમ ચાર વર્ષ માટે GST ઇનપુટ ક્રેડિટની માગ કરી રહ્યો છે.