ગ્રાહકો સર્વિસ-ચાર્જ ચૂકવવાની ના પાડી ન-શકેઃ રેસ્ટોરન્ટમાલિકો

મુંબઈઃ દેશભરની હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને હોટેલ-રેસ્ટોરન્ટ્સ માલિકોના રાષ્ટ્રીય સંગઠન નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. રેસ્ટોરન્ટ-હોટેલો ગ્રાહકોને સર્વિસ ટેક્સ ચૂકવવાની ફરજ પાડી ન શકે એવા સરકારના વલણનો સ્વીકાર કરવાનો રેસ્ટોરન્ટ માલિકોએ ઈનકાર કર્યો છે.

સરકારનું કહેવું છે કે રેસ્ટોરન્ટ-હોટેલોમાં સર્વિસ ટેક્સ એક સ્વૈચ્છિક ફી છે જે ગ્રાહકોને એમની મરજી વિરુદ્ધ લાગુ કરી શકાય નહીં. ત્યારે બીજી બાજુ, રેસ્ટોરન્ટમાલિકોની દલીલ છે કે ગ્રાહકો ખાવાનું ખાધા બાદ બિલમાં દર્શાવેલી રકમમાંથી સર્વિસ ચાર્જને હટાવી દેવાનું કહી ન શકે. ગ્રાહક એક વાર કોઈ વાનગીનો ઓર્ડર આપે એ પછી વાનગીની કિંમત ગ્રાહક અને રેસ્ટોરન્ટ માલિક વચ્ચેના એગ્રીમેન્ટનો એક ભાગ બની જાય છે, અને ગ્રાહકે તે ચૂકવવો જ પડે. ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલ કરવો એ કોઈ ગેરકાયદેસર રીત નથી, ઊલટાનું, જો એને હટાવી દેવામાં આવશે તો હજારો કામદારોને માઠી અસર પડશે.