મંદીની બુમરણ વચ્ચે સરકાર સાવધઃ ઘરેલુ કંપનીઓના કોર્પોરેટ ટેક્સમાં કર્યો ઘટાડો

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠક પહેલા કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમને શુક્રવારે કેટલીક મહત્વની જાહેરાત કરતા દેશમાં કાર્યરત કંપનીઓ પરના કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરતા રાહત આપી છે. આ ઉપરાંત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા શેર કે ડેરિવેટિવ્ઝના વેચાણ ઉપર મળલા મૂડી લાભ ઉપર પણ સુપર રીચ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત પણ કરી હતી.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે ટેક્સ ઘટાડવા અંગેનુ બિલ પાસ થઈ ચુક્યું છે. ઘરેલું કંપનીઓ અને નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે બિલ દ્વારા કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવશે. સરકારે ઘરેલું કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડીને 22 ટકા કર્યો છે. અત્યાર સુધી 400 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવર ધરાવતી કંપનીઓ પર 25 ટકા અને બાકીની કંપનીઓ પર 30 ટકા કોર્પોરેટ ટેક્સ લાગતો હતો.

ઘરેલું કંપનીઓ જો કોઈ અન્ય છૂટ લેતી નથી તો તેમણે 22 ટકા ટેક્સ આપવાનો રહેશે. સરચાર્જ અને સેસ બંનેને મેળવીને ટેક્સ દર 25.17 ટકા થશે. કંપનીઓ જો હાલ છૂટ લઈ રહી છે તો ટેક્સ હોલિડે એક્સપાયરી બાદ ઓછા ટેક્સ દરનો વિકલ્પ પસંદ કરી શકશે. બિલ દ્વારા આ ફેરફાર લાગુ કરવામાં આવશે. નવા ઘટાડાયેલા કોર્પોરેટ ટેક્સના દરનો અમલ 1લી એપ્રિલથી શરૂ થયેલા નાણાકીય વર્ષથી થશે.

નિર્મલા સીતારમણે કહ્યું કે મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરવા માટે આઈટી એક્ટમાં નવા પ્રવધાનોને જોડવામાં આવ્યા છે, જે સુનિશ્ચિત કરશે કે કોઈ ઘરેલું કંપની જેની રચના 1 ઓક્ટોબર 2019 કે તેના પછી થઈ હોય અને જે નવેસરથી રોકાણ કરી રહી છે તો તેને 15 ટકા ટેક્સ ચૂકવવો પડશે.