દલાલ સ્ટ્રીટમાં છેલ્લા 10 વર્ષની સૌથી મોટી તેજી: રોકાણકારોની સંપત્તિ 7 લાખ કરોડ વધી

મુંબઈ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કોર્પોરેટ ટેક્સમાં કરેલા ઘટાડાની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં તેજીની આતશબાજી જોવા મળી અને બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં ઇતિહાસનો સૌથી મોટો એક દિવસીય ઉછાળો જોવા મળ્યો છે. સરકારના મિની બજેટ બૂસ્ટર ડોઝ બાદ શેરમાર્કેટમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેકસ-નિફટીમાં 10 વર્ષમાં પ્રથમ વખત 5 ટકાથી વધુની તેજી જોવા મળી છે.

બીએસઇ સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 2284 પોઇન્ટના ઉછાળા સાથે 38,378ની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો જે ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો છે. તો બેન્ચમાર્ક નિફ્ટી પણ 677 પોઇન્ટના ઐતિહાસિક એક દિવસીય ઉછાળા સાથે 11,381.90ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સાર્વત્રિક તેજીના સહારે શેરબજાર ઊંચા મથાળે ટકી રહેવામાં સફળ રહ્યું હતું. દિવસના અંતે સેન્સેક્સ 1921 પોઇન્ટના ઐતિહાસિક ઉછાળે 38014.62 અને નિફ્ટી 569 પોઇન્ટની તેજીમાં 11274 ઉપર બંધ રહ્યા હતાં.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળાને પગલે શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં પણ વધારો થયો હતો. આજે શુક્રવારે બંધ બજારે બીએસઇની માર્કેટકેપ રૂ. 145.37 લાખ કરોડ રહી હતી. આજના ઐતિહાસિક ઉછાળાથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 6.83 લાખ કરોડનો ઉમેરો થયો છે.

બેંકિંગ સેક્ટર અને મેન્યુફેકચરિંગને લગતા સેક્ટરને કારણે બજારની તેજી આગળ ધપી છે. બેંક નિફટી ઈન્ડેકસ 2000 અંક ઉછળ્યું છે,જે 6 વર્ષનો સૌથી મોટો ઉછાળો છે. સેન્સેકસના 30માંથી માત્ર એક Zee લિમિટેડના શેરમાં નેગેટીવ ઝોનમાં બંધ થયો હતો. આ સિવાય બધા જ શેર ગ્રીન ઝોનમાં બંધ થયાં. મિડકેપ અને સ્મોલકેપમાં પણ 2.50 ટકાનો ઉછાળો જોવા મળ્યો,જે ચાર માસનો સૌથી વધુ છે.

ઓટો સેક્ટર કોર્પોરેટ ટેક્સની રાહતની સાથે હજી GST કાઉન્સિલની બેઠકમાંથી પણ રાહતના સમાચારની અપેક્ષા રાખીને બેઠા છે. આજે ઓટો સેક્ટરમાં સૌથી વધુ તેજી ટૂ વ્હિલર્સ ઓટો શેરમાં જોવા મળી. આયશર મોટર્સ, હિરોમોટો અને બજાજ ઓટો 7થી 15 ટકા વધ્યાં. સૌથી મોટી ઓટો કંપની મારૂતિના શેર પણ 10 ટકાથી વધુ ઉછળ્યાં હતાં. આયશર મોટર્સમાં ૩૦ વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]