મુંબઈઃ છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ખાનગી કંપનીઓમાં અસ્ક્યામતો વેચીને ચડી ગયેલું દેવું ઘટાડવાના વલણે જે વેગ પકડ્યો હતો તે 2019-20ના ઉત્તરાર્ધમાં શમી ગયો હતો, કારણ કે ધિરાણનો ઉપયોગ તેઓ સબસિડિયરી કે અન્ય કંપનીઓને લોન્સ અને એડવાન્સીસ આપવામાં કરી રહી હતી, મૂડીખર્ચમાં તેઓ રોકી રહી નહોતી, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ પરથી જાણવા મળ્યું હતું.
RBIએ 3,760 લિસ્ટેડ નોન-ફાઈનાન્સિયલ કંપની (68 પીએસયુ અને 3692 નોન-પીએસયુ)ની કરેલી મોજણીમાં જણાઈ આવ્યું હતું કે નોન-પીએસયુ કંપનીઓએ પીએસયુની તુલનાએ દેવામાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો હતો.
પીએસયુ કંપનીઓનો ડેટ અને કાર્યકારી નફા વચ્ચેનો ગુણોત્તર માર્ચ, 2019માં 2.38 ટકા થયો હતો જે પાંચ વર્ષનો સૌથી મોટો હાઈ છે, એની સામે નોન-પીએસયુનો રેશિયો 2.32 રહ્યો હતો, જે માર્ચ, 2016ના 2.71 ટકાની ટોચની તુલનાએ સૌથી નીચો છે, એમ RBIના બાય એન્યુઅલ ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવાયું હતું. જોકે વેચાણમાં અને કાર્યકારી નફામાં મંદ વૃદ્ધિ એ દર્શાવે છે કે વેપારનો માહોલ કોવિદ-19ના એક મહિના પૂર્વે જ પડકારજનક બની ગયો હતો.
ઉક્ત સમય દરમિયાન ખાનગી અને પીએસયુ કંપનીઓ બંનેની પ્રવાહિતામાં ઘટાડો થયો હતો. ખાનગી ક્ષેત્રની કંપનીઓનો એસેટ ટુ લાયાબિલિટી રેશિયો માર્ચ, 2019માં માર્ચ, 2018ના 1.48 ટકાથી ઘટીને 1.51 ટકા અને પીએસયુનો રેશિયો 1.25 ટકાથી વધુ ખરડાઈને 1.35 ટકા થયો હતો.
દેવામાં ઘટાડો કરવાનું વલણ ટ્રિપલ એ રેટિંગ ન ધરાવતી કંપનીઓમાં અધિક હતું. ટ્રિપલ એ રેટિંગ ધરાવતી કંપનીઓનો ડેટ ટુ ઓપરેટિંગ રેશિયો માર્ચ, 2018ના 0.66 ટકાથી વધીને માર્ચ, 2019માં 0.76 ટકા થયો હતો, જ્યારે નોન-ટ્રિપલ એ રેટિંગ કંપનીઓનો રેશિયો માર્ચ, 2018ના 3.73 ટકાથી ઘટીને માર્ચ, 2019માં 2.96 ટકા થયો હતો.
ટ્રિપલ એ કંપનીઓની પ્રવાહિતા માર્ચ 2018ના 1.05 ટકાથી વધીને માર્ચ, 2019માં 1.18 ટકા થઈ હતી, જ્યારે નોન-ટ્રિપલ એ કંપનીઓની પ્રવાહિતા આ ગાળામાં 1.70 ટકાથી ઘટીને 1.68 ટકા થઈ હતી.