નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષમાં કોરોના રોગચાળાને લીધે અર્થતંત્ર પર પડેલી માર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રભાવિત કરી છે. આવું રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા લોનના રિસ્ટ્રક્ચરિંગ અને પેકેજની ઘોષણા છતાં થયું છે. રિઝર્વ બેન્કે કહ્યું હતું કે MSMEની ગ્રોસ નોન પર્ફોર્મિંગ એસેટ (NPA) અથવા ઉદ્યોગોની ડિફોલ્ટ લોન, સપ્ટેમ્બર, 2021 સુધી રૂ. 20,000 કરોડ વધીને રૂ. 1,65,732 કરોડે પહોંચી છે. સપ્ટેમ્બર, 2020માં એ આંકડો રૂ. 1,45,673 કરોડ હતી, એમ એક RTIમાં ખુલાસો થયો છે.
RBIના જણાવ્યાનુસાર MSMEની બેડ લોન સપ્ટેમ્બર, 2020માં 8.2 ટકાને મુકાબલે હવે રૂ. 17.33 લાખ કરોડના ગ્રોસ એડવાન્સના 9.6 ટકા છે. સપ્ટેમ્બર, 2019માં MSMEની બેડ લોન રૂ. 1,47,260 કરોડ (એડવાન્સના 8.8 ટકા)થી ઘટી ગઈ હતી.
RBIનું કહેવું છે કે જાહેર ક્ષેત્રની બેન્કોની MSME NPAમાં રૂ. 1,37,087 કરોડનો મોટો હિસ્સો છે. જેમાં PNBમાં સપ્ટેમ્બર, 20 સુધીમાં રૂ. 25,893 કરોડની MSMEની NPA હતી. એ પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 24,394 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 22,297 કરોડ અને કેનેરા બેન્કમાં રૂ. 15,299 કરોડ હતી.
લોન નોન પર્ફોર્મિંગ એસેટ ત્યારે બદલાઈ જાય છે, જ્યારે પ્રન્સિપાલ અથવા વ્યાજ 90 દિવસો પછી ઓવરડ્યુ થઈ જાય છે. RBIએ જાન્યુઆરી, 2019, ફેબ્રુઆરી, 2020, ઓગસ્ટ, 2020 અને મે, 2021માં MSME માટે ચાર વાર લોન રિસ્ટ્રક્ચરિંગની યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાઓ હેઠળ રૂ. 1,16,332 કરોડના 24.51 લાખ MSME ખાતાઓને રિસ્ટ્રક્ચર કરવામાં આવ્યાં હતાં.
